રાજકોટનાં પાયા નાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા – પરેશ ધાનાણી

By: nationgujarat
01 May, 2024

રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું  ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વને રાજકોટનાં પાયાનાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા.

રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ધાનાણીએ એબીપી અસ્મિતા સાથેની exclusive વાતમાં રાજકોટ બેઠક પર વર્ગ વિગ્રહ કરવો પ્રયાસ થતો હોવાનો બીજેપી પર આરોપ પણ લગાવ્યો. એટલું જ નહીં રાજકોટ બેઠક પર લેઉવા અને કડવા પાટીદારોને સામ સામે લેવાનો પ્રયાસ બીજેપી કરતી હોવાની આશંકા પણ ધાનાણી એ વ્યકત કરી. રાજકોટ લોકસભા અંતર્ગત વાંકાનેરનાં ગ્રામીણ વિસ્તારમાં ધાનાણીએ આજે પ્રચાર કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા, પૂંજા વંશ, જાવેદ પીરજાદા સહિતનાં નેતાઓ ધાનાણીનાં પ્રચાર અભિયાનમાં જોડાયા હતા.

પોતાને સરદારના અસલી વારસદાર ગણાવનારા અને  બીજેપીનાં નેતાઓને નકલી વારસદાર ગણાવનાર. ધાનાણીએ અસલી-નકલી ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી, ઉપરાંત અનેક આરોપો બીજેપી પર લગાવ્યા હતા.

રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટિપ્પણી બાદથી ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો પર કપરાં ચઢાણ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસે રૂપાલા સામે પરેશ ધાનાણી જેવા કદાવર નેતાને મેદાને ઉતારી દેતાં રાજકોટની બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. આ સૌની વચ્ચે ચૂંટણીપંચે હવે એક મામલે રૂપાલા અને ધાનાણી બંનેને નોટિસ ફટકારતાં ભાજપ-કોંગ્રેસ એમ બંનેના ટેન્શન વધી ગયા છે.  રાજકોટથી ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા ભાજપના વિવાદિત ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણીનું ટેન્શન વધી ગયું છે. બંનેએ અત્યાર સુધી ચૂંટણી ખર્ચની વિગતો સમયસર રજૂ ન કરતાં આ નોટિસ ફટકારાઈ છે. આ મામલે બંને ઉમેદવારોએ ચૂંટણીપંચને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે થોડોક સમય માગ્યો છે. રૂપાલાની અનેક સભાઓને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ હતી. કોંગ્રેસ દ્વારા આ ફરિયાદ નોંધાવાઈ હતી. રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઈ હતી. ચૂંટણી પંચ હાલમાં આ મામલે તપાસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ક્ષત્રિયો અંગે રૂપાલાએ ટિપ્પણી કરી છે ત્યારથી અત્યાર સુધી તેમની સામે ક્ષત્રિય સમાજે બાંયો ચઢાવી દેખાવો કરવાનું ચાલુ રાખ્યું છે જેના કારણે ભાજપના અન્ય ઉમેદવારોએ પણ ભોગવવું પડી રહ્યું છે.


Related Posts

Load more