વિદેશ ફરવા જવા ઇચ્છુક ભારતીયો માટે થાઇલેન્ડ અને દુબઇ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવું છે. ખાસ કરીને થાઇલેન્ડ ત્યાંના કલ્ચર અને નાઇટ લાઇફના કારણે લોકોને આકર્ષે છે. જોકે આ વખતે થાઇલેન્ડ પોતાની ગ્લેમરસ નાઇટ લાઇફ માટે નહીં પણ અન્ય એક કારણથી ચર્ચામાં આવ્યું છે.
એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ભારતીય વ્યક્તિને ટ્રાન્સજેન્ડરનું ગ્રુપ માર મારી રહ્યું છે. આ વીડિયો વાઇરલ થતાં જ થાઇલેન્ડની નાઇટ લાઇફ, લેડી બોય અને ત્યાં થતી છેતરપિંડી અંગે ચર્ચા શરૂ થઇ છે. દિવ્ય ભાસ્કરે એક દાયકાથી થાઇલેન્ડમાં સ્થાયી થયેલા ગુજરાતી રેસ્ટોરન્ટ માલિક સુરેશ સાવલિયા સાથે વાત કરીને આ વીડિયો પાછળનું સત્ય અને થાઇલેન્ડમાં ભારતીયો સાથે કેવી-કેવી રીતે છેતરપિંડી થાય છે તે જાણ્યું હતું. સુરેશ સાવલિયા સ્થાનિક ભારતીય સમાજના અગ્રણી છે અને થાઇલેન્ડમાં કોઇ ભારતીય મુશ્કેલીમાં ફસાય તો તેને મદદ પણ કરે છે.
વર્ષ 2024માં 21 લાખ ભારતીયો થાઇલેન્ડ ગયા હતા. જે એક રેકોર્ડ હતો. જ્યારે 2025 માં જૂન મહિના સુધીમાં જ આ આંકડો 10 લાખથી વધુનો થઇ ગયો હતો.
બારમાં સાથે બેસવાની ડિલ થઇ થોડા દિવસ પહેલાં ભારતીય વ્યક્તિને માર મારતા હોવાનો જે વીડિયો વાઇરલ થયો હતો તે પતાયાના બીચ રોડ પરનો છે. આ ભારતીય ટુરિસ્ટ એક બારમાં બેઠા હતા. તેમની અને ટ્રાન્સજેન્ડર વચ્ચે બારમાં સાથે બેસવાની ડીલ થઇ હશે. અંદાજે અડધો કલાક સાથે બેઠા હતા અને પછી ઓચિંતા ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે ટ્રાન્સજેડરે રૂપિયા માગ્યા હતા. ભારતીય ટુરિસ્ટે રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હશે જેના પછી બોલાચાલી થઇ અને ટ્રાન્સજેડરનું ગ્રુપ એકઠું થઇ ગયું. પહેલાં તો ટુરિસ્ટની આંખમાં સ્પ્રે છાંટ્યો અને પછી એકઠાં થઇને તેને માર માર્યો હતો.
સાથે બેસવાના રૂપિયા આપવા પડે છે સુરેશ સાવલિયા આવી ડિલ વિશે માહિતી આપતા કહે છે કે, રેસ્ટોરન્ટમાં બેસવાનું ફ્રી હોય છે, ત્યાં ટ્રાન્સજેન્ડર અને યુવતીઓ આવે છે. એમને સાથે બેસવાની ઓફર કરો તો એ કહે કે મને કેટલા રૂપિયા આપશો? જેના પછી 500-1000 બાથ (થાઇલેન્ડની કરન્સી)ની ડીલ થાય. કોઇને સાથે ડ્રિન્ક કરવા બેસાડો તો તેને રૂપિયા આપવા પડે છે. ડિલ થયા પછી એ તમને છોડીને ક્યાંય ન જાય, તમારી સાથે બેસે, પાર્ટી કરે. જો તમે ઊભા થઇને અચાનક ચાલતા થાઓ એટલે આવી ઘટના તો થવાની જ છે.
બીચ રોડ પર થતી છેતરપિંડી અંગે ખુલાસો કર્યો પતાયાના બીચ રોડ પર આવી ઘટનાઓ તો સામાન્ય છે અને દરરોજ બનતી રહેતી હોય છે. બીચ રોડ પર જેને ઓળખતા ન હો તેની સાથે વાત ન કરો, કેમ કે અહીં અમુક પ્રકારની છેતરપિંડી થાય છે આવી સલાહ આપતા સાવલિયાએ આગળ કહ્યું, અમે લોકોને કહીએ છીએ કે તમે પ્રોપર સ્પામાં જાઓ. પ્રોપર ક્લબમાં જાઓ. રોડ પરથી કોઇ વસ્તુ ના લો.
હોટલમાં વાત મારામારી સુધી પહોંચી જાય છે સુરેશ સાવલિયાએ કહ્યું કે, માથાકૂટ એ થાય છે કે લોકો લેડિઝ સમજીને પોતાની સાથે હોટલમાં લઇ ગયા હોય અને પછી એ ટ્રાન્સજેન્ડર નીકળે. ગ્રાહક પૈસા ન આપે એટલે રૂમમાં બબાલ થાય. ગ્લાસ ફૂટે, ટીવીના રિમોટ તૂટે. માથામાં બોટલ કે ગ્લાસ મારે એ હદ સુધી જાય છે. આ બધા રૂપિયા ટૂરિસ્ટે આપવા પડે છે કેમ કે હોટલમાં એ આવ્યો હોય છે. ટ્રાન્સજેન્ડર કોઇ ક્લબમાં એલાઉડ નથી. ક્લબમાં ફક્ત લેડિઝ જ હોય છે.
અજાણ્યા ટુરિસ્ટને ટ્રાન્સજેન્ડર કેવી રીતે ઓળખી લે છે અને તેમનું નેટવર્ક કેવું હોય છે તેના વિશે પણ તેમણે માહિતી આપી.
‘કોઇ ટુરિસ્ટ બીચ રોડ પર જાય એટલે એમને ખબર પડી જાય કે આ નવો આવ્યો છે. જે ટુરિસ્ટ રેગ્યુલર આવે છે એ બીચ રોડ પર આંટો મારવા પણ નથી જતા. અહીં બધા ટ્રાન્સજેન્ડર્સ સાથે જ ઊભા હોય છે. તેમની યુનિટી હોય છે. ટ્રાન્સજેન્ડર દ્વારા થતી પ્રવૃત્તિ થાઇલેન્ડમાં ગેરકાયદેસર છે પણ એ નિયમોને માળિયે ચડાવી દીધા છે. આ બધી પ્રવૃત્તિ થાઇલેન્ડની સરકાર અને પોલીસની રહેમનજર હેઠળ જ ચાલે છે.’
થાઇલેન્ડમાં સ્પા, મસાજના નામે જ છેતરપિંડી થાય છે તેવું નથી. રોકાણ, હોટલ સર્વિસ જેવા અનેક સ્કેમ થાય છે.
તેઓ કહે છે કે, અહીંના લોકો રોકાણ કરાવીને ફ્રોડ નથી કરતાં. આવા ફ્રોડ આપણાં ભારતીય લોકો જ કરે છે. અહીંના લોકોને આગળ કરીને પડદા પાછળ આપણાં લોકો આવી છેતરપિંડી કરે છે. જેમની પાસે વિઝા નથી, વર્ક પરમિટ નથી, ટુરિસ્ટ વિઝા પર અહીં આવે છે, અહીં કામ કરે છે તે લોકો આવી છેતરપિંડી કરે છે.
‘કોઇ ભારતીય વ્યક્તિ બેઠી હોય તો તેની બાજુમાં જઇને બેસી જાય. તમે ક્યાંથી છો? શું કરવા આવ્યા છો? તેવું પૂછે. જો કોઇ એમ કહી દે કે મારે અહીંયા થાઇલેન્ડમાં રોકાણ કરવું છે તો ઠગાઇ કરનારા લોકો તેની પાછળ જ પડી જાય.’