Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે.. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાતી રહેવી જોઇએ નહીંતર તે બળી જશે. 20 વર્ષ લાંબો સમય કહેવાય! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે.