પોલીસને પગાર ઓછો પડે છે!’:પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ, ગાંધીનગરની 150 કરોડની જમીન મામલે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ્દ

By: Nation Gujarat Team
07 Nov, 2026

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિત અન્ય કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ખોરજ ગામમાં તેઓ જમીન ધરાવે છે અને તેઓ આ જમીન ચતુરસિંહ પટેલ અને હરિશસિંહ ગોહિલને વેચવા માંગે છે પરંતુ, રવિ ઠાકોર નામનો વ્યક્તિ આ જમીન જગદીશ ઠાકોરને જ વેચવાની છે એવું દબાણ કરતો હતો. જગદીશ ઠાકોરના કહેવાથી તેના પતિનું અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકે, આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં જગદીશ ઠાકોર, રવિ ઠાકોર સહિતના અરજદારોએ ફરિયાદીની સહમતિથી ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. કોર્ટમાં ફરિયાદી, તેના પતિ, આરોપીઓ તમામ ઉપસ્થિત હતા. જેમાં અરજદારોના વકીલ વતી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદીને આ જમીન રતિલાલ અને હરિસિંહને નહોતી વેચવી પરંતુ, પોલીસ તેમની ઉપર આ વ્યક્તિઓને જમીન વેચવા દબાણ કરતી હતી.

પોલીસે જાતે જ ફરિયાદ લખીને તેની સહી લઈ લીધી હતી: ફરિયાદી વળી ફરિયાદીએ કહ્યું હતું કે, ફરિયાદમાં દર્શાવ્યા મુજબની કોઈપણ ઘટના હકીકતમાં બની જ નથી પરંતુ, પોલીસે જાતે જ ફરિયાદ લખીને તેની સહી લઈ લીધી હતી. અરજદારોના વકીલે જણાવ્યું હતું કે આ વખતે જમીન 150 કરોડ રૂપિયાની છે. જેથી પોલીસને પૈસા લેવામાં રસ છે. ફરિયાદીના પતિનું અપહરણ નહીં, પરંતુ તે પોલીસથી ભાગતો ફરતો હતો.

પોલીસ રૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં કોર્ટ પણ કહ્યું હતું કે લાગે છે કે, પોલીસને પગાર ઓછો પડે છે. જોકે, સરકારી વકીલે ફરિયાદીની એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામજોગ આક્ષપો ઉપર વાંધો ઉઠાવ્યો હતો. આખરે નામની જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારી લખવામાં આવ્યું હતું. કોર્ટે પણ કહ્યું હતું કે- પોલીસ પૈસા લે છે, તેની કોર્ટને પણ ખબર છે. પોલીસ રૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં. આખરે ફરિયાદ રદ્દ કરવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

જગદીશ ઠાકોરે કહ્યું, ‘સત્યની જીત’; ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ હટાવવા મુદ્દે ટિપ્પણી ટાળી ગાંધીનગરના ખોરજ ગામની આશરે 150 કરોડની જમીનના વિવાદમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિતના લોકો સામે નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરતાં જગદીશ ઠાકોરે આ મામલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કોર્ટમાંથી ન્યાયની અપેક્ષા હતી, જે પૂરી થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતની પત્નીને પોલીસ લઈ ગઈ હતી અને પોલીસે જ ફરિયાદ લખીને મહિલા તથા તેમના પતિની સહી લીધી હતી. આ બંનેએ અગાઉ પત્રકાર પરિષદમાં પણ આવી રજૂઆત કરી હતી. ત્યારબાદ FIRમાં જેમનાં નામ હતાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર થતાં ફરિયાદ રદ થઈ છે. બીજી તરફ, હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ હટાવીને માત્ર ‘ઉચ્ચ પોલીસ અધિકારી’ શબ્દનો ઉપયોગ કરવા અંગે પૂછવામાં આવતાં ઠાકોરે આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, ત્રણ FIRમાં એક વ્યક્તિએ તેમના નામનો ઉલ્લેખ કર્યો હોવાથી આ મામલે વધુ કંઈ કહી શકાય તેમ નથી.

શું હતી ઘટના? ખોરજ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 232વાળી સંયુક્ત હિસ્સાની જમીન અન્ય ખરીદદારોને વેચવા બાબતે વિવાદ સર્જાયો હતો, જેમાં અમદાવાદના રવિ ઠાકોરે આ જમીન માત્ર જગદીશ ઠાકોરને જ વેચવા ફરિયાદી પક્ષને ધમકી આપી હતી. ગત 29 ઓગસ્ટના રોજ જ્યારે ફરિયાદી કાજલબેનના પતિ પોપટજી ઠાકોર, તેમના ભાઈ હર્ષદભાઈ અને અન્ય સહ-માલિકો ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબરજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરાવવા પહોંચ્યા હતા ત્યારે રવિ ઠાકોર અને તેના સાગરીતો ગાભુભાઈ રબારી તથા બળદેવભાઈ રબારીએ સરકારી કચેરીમાં ધસી આવી ગાળાગાળી કરી દસ્તાવેજ અટકાવી દીધો હતો.

ત્યારબાદ આરોપીઓએ પોપટજી અને હર્ષદભાઈનું બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કર્યું હતું અને પોલીસ ફરિયાદ ન કરવા કાજલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જ રાત્રે અપહરણકારોએ હર્ષદભાઈને હાઈ-વે પર ઉતારી દીધા હતા, પરંતુ પોપટજી ઠાકોરને અજ્ઞાત સ્થળે લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવી પોલીસ પર આક્ષેપ કર્યો હતો ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ જમીન પ્રકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે પોલીસ પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, ગાંધીનગરની પોલીસ ગરીબ ખેડૂતોની જમીનો લખાવી લેવા માટે તેમના પર બળજબરી કરી રહી છે. જો કે તે પછી જિજ્ઞેશ વિરુદ્ધ જ પોલીસ સ્ટેશનમાં જઇને હંગામો કરી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવા બદલ ફરિયાદ થઇ હતી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score