‘દ્વારકાના બદલે વડતાલ જાઓ.’ સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે ભક્તોમાં રોષ, હિન્દુ સમાજે કહ્યું- માફી માગો

By: Krunal Bhavsar
25 Mar, 2025

Swaminarayan Book Controversy: તાજેતરમાં જ વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે ખોટી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ સ્વામી જ્ઞાનપ્રકાશે વીરપુર જઈને માફી માગી હતી. હજુ એ વિવાદ શમ્યો છે ત્યાં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં ભક્તોને દ્વારકાના બદલે વડતાલ જવાની વાત કરવામાં આવી છે. જેને લઈને આજે (25 માર્ચ) દ્વારકામાં હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે વિવાદિત લખાણ હટાવવા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હાલ આ મુદ્દે સનાતન ધર્મના અનુયાયીઓ રોષે ભરાયેલા છે.

   દ્વારકામાં ભક્તોએ વિશાળ રેલી યોજીને કર્યો વિરોધ

આજે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી સરઘસરૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર ભક્તો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી પ્રાંત કચેરી સુધી રેલી યોજાઈ હતી. આ દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહ્વાન કર્યું હતું.

હિંદુ સંગઠનોએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

હિંદુ સમાજે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ માગને સમગ્ર હિંદુ સમાજે ટેકો આપ્યો છે તથા વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના સહિતના સંગઠનોએ ભાગ લીધો હતો. આ સંતે ગૂગળી બ્રાહ્મણ સમાજ અંગે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિના યુવા ટીમે સ્વામીનારાયણ સંપ્રદાયના જે લોકોએ આવી અભદ્ર ટિપ્પણી કરી છે તેમને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

હિંદુ સમાજે માંગ કરી છે કે જે લોકોએ આવી ટિપ્પણી કરી છે તે 48 કલાકમાં દ્વારકા દ્વારકાધીશના શરણે આવી પોતાના નિવેદનો પરત લે અને હવે પછીના સમયમાં ક્યારેય પણ હિંદુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે. નહીંતર ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટિપ્પણી કરનાર સંતોને લલકારવામાં આવશે.

સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શું લખ્યું છે?

સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુશ્રી ગોપાળાાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખ કરાયો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. તેમાં લખ્યું છે કે, ‘સ્વામી ! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?’ ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાાનંદ સ્વામીએ કહ્યું, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામીનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’

સ્વામીશ્રીની અનુમતિ લઈ આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાંવહાલાં જે કુસંગી હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો, છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું અને દરિયા કિનારે જઈ વહાણમાં બેઠા ત્યારે થોડા સમય બાદ દરિયામાં પ્રચંડ વાવાઝોડું ઊપડ્યું, તેમાં વહાણ પણ ચકડોળે ચડ્યું અને જોતજોતામાં ડૂબી પણ ગયું. બૂડતાં ડૂબતાં ડૂબતાં આબાસાહેબે વિચાર્યું કે, ‘સદ્ગુરુ શ્રી ગોપાળાાનંદ સ્વામીએ મને વચન કહ્યું હતું તે મેં ન માન્યું તેથી મારે આ કષ્ટ આવી પડ્યું.’ એમ કહી સ્વામીનારાયણ, સ્વામીનારાયણ.. એમ ભજન કરવા માંડ્યા. ત્યારે દયાસાગર શ્રી સ્વામીનારાયણ ભગવાને સદ્ગુરુ શ્રી ગોપાળાાનંદ સ્વામી સાથે બાબાસાહેબને દિવ્ય તેજીમય દર્શન આપી કહ્યું, ‘આ લાકડાનો કટરો છે તે તમે હાથમાં પકડી રાખો એટલે દરિયો પાર કરી શકશો. તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી.’ એમ કહી અદૃશ્ય થઈ ગયા.

ટિપ્પણી લખવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે ગત દિવસોમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીધાને 5500 વર્ષ થઈ ચૂક્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને માત્ર 200થી 250 વર્ષ જેટલો જ સમય થયો છે. સહજાનંદ સ્વામીના પૂર્વે કોણ હતું? જે હતું તે સનાતન હતું. સનાતનના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. વજ્રનાભ દ્વારા ભગવાન દ્વારકાધીશનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ ત્યાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.


Related Posts

Load more