ચંડોળા ડિમોલિશન: એવું તો શું પૂછી લીધું? ડે. કમિશનર મીડિયાના સવાલથી ઊભી પૂંછડીએ ભાગ્યા

By: nationgujarat
03 May, 2025
અમદાવાદ: ચંડોળા ગેરકાયદેસર દબાણ પર થયેલી કામગીરી અને આગામી આયોજન પર પૂછવામાં આવેલા સવાલથી અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલ મીડિયાના સવાલથી ભાગ્યા હતા. મીડિયાના સવાલો શરૂ થાય તે પહેલા જ પાળ બાંધતા રિદ્ધેશ રાવલે કહ્યું હતું, કે “જેટલું બોલવાનું હશે તેટલું જ બોલીશ, દરેક સવાલના જવાબ નહીં આપુ.” બસ આ વાક્ય જ સાચું પડ્યું હતું. મીડિયાએ પ્રશ્નો શરૂ કરતાં ડેપ્યુટી કમિશનર ચાલુ પ્રેસ છોડી ઉઠી ગયા અને કહ્યું કે, બસ આટલું જ હતું.
અમદાવાદ શહેરના સૌથી મોટા ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયું હતું. તેમજ અનેક આપરાધિક ઘટનાઓ માટે એપી સેન્ટર બનેલી ચંડોળા તળાવ પર પોલીસ અને AMC દ્વારા સંયુક્ત મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશન દરમિયાન પોલીસનો દાવો હતો કે AMC ડિમોલિશનની કામગીરી કરી રહી છે. પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી રહી છે. સંપૂર્ણ કામગીરી AMC દ્વારા કરાઈ રહી છે. જ્યારે આ અંગે AMC કહી રહી છે કે પોલીસ દ્વારા અમારી મદદ માગવામાં આવી હતી. જેથી AMC દ્વારા મેન પાવર અને મશીનરી આપવામાં આવી છે. ચંડોળા તળાવની જગ્યા પર સરકારની છે. અહીં કલેક્ટરની સત્તા છે. આ તમામ નિવેદન અને એકબીજાની ખો વચ્ચે ગુજરાતના ઐતિહાસિક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓ હાંકી કઢાયા છે. તેમજ અહીં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરી આપતા અસામાજિક તત્વો લલ્લા બિહારી સહિત તેમના પુત્ર પર ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ ડિમોલિશન કામગીરી અંગે હજુ AMC પાસે કોઈ સત્તાવાર માહિતી નથી
AMC સ્ટેન્ડિંગ કમિટી પૂર્ણ થયા બાદ ચંડોળા તળાવની કામગીરી અંગે માહિતી માટે મીડિયા સમક્ષ એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલ હાજર થયા હતા. પરંતુ મીડિયાના બ્રીફિંગ કરતા પહેલા જ કહી દીધું હતું કે “મારે જેટલું બોલવાનું હશે તેટલું જ બોલીશ, દરેક સવાલના જવાબ નહીં આપુ.” આમ કહી તેઓએ વાત શરૂ કરી હતી કે AMC દ્વારા બે દિવસની કામગીરી દરમિયાન ચાર હજારથી વધુ કાચા પાકા ઝૂંપડાઓ દૂર કરાયા છે. અંદાજિત દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે. હજુ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમજ લોકોને સ્વેચ્છાએ મકાનો ખાલી કરવા કહ્યું છે. જો મકાન ખાલી નહીં કરે તો નોટિસ અપાશે અને આખરે લેન્ડ ગ્રેબિંગ સુધીના કેસ પણ દાખલ કરવામાં આવશે. પરંતુ ત્યાર બાદ મીડિયાના જવાબ આપવાનું ટાળ્યું હતું.
ચંડોળા ગેરકાયદે દબાણ પર અનેક સવાલો હજુ ત્યાંના ત્યાં જ છે. અહીં દબાણ કેમ થયા? અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? ડિમોલિશનની કામગીરી એકાએક કેમ બંધ કરી દેવામાં આવી? છેલ્લા અનેક વર્ષોથી અહીં ગેરકાયદેસર દબાણ થયું તો કેમ AMCને ખબર ન પડી? જગ્યા કલેક્ટરની સત્તાની છે કે AMCની માલિકીની, હજુ કોઈ સ્પષ્ટતા નથી. આગામી સમયમાં દબાણ ન થાય તે માટે પણ કોઈ માહિતી અપાઈ નથી.

Related Posts

Load more