Ajaz Khan Show House Arrest: બિગ બોસ ફેમ એજાઝ ખાનના વિવાદાસ્પદ શૉ હાઉસ અરેસ્ટમાં અશ્લીલ કન્ટેન્ટને લઈને હોબાળો મચી ગયો છે. શૉની કેટલીક અભદ્ર ક્લિપ્સ વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ અંગે હોબાળો શરૂ થયો. વીડિયોમાં, મહિલા સ્પર્ધકો પોતાના કપડાં ઉતારતી જોવા મળી હતી. એક વીડિયોમાં, સ્પર્ધકોને અશ્લીલ પોઝ આપવા માટે કહેવામાં આવ્યું હતું. શૉની આ અભદ્ર ક્લિપ્સ જોયા પછી, તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લુ એપે બધા એપિસોડ દૂર કર્યા
હવે શૉ સામે મોટી કાર્યવાહી કરતા, હાઉસ એરેસ્ટ શૉના બધા એપિસોડ OTT પ્લેટફોર્મે પરથી દૂર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, એજાઝ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘણા રાજકીય હસ્તીઓએ પણ આ શૉની ટીકા કરી છે. આ સમગ્ર મામલે એજાઝ ખાન અને નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
રાષ્ટ્રીય મહિલા આયોગે મોકલ્યું સમન્સ
બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગે ઉલ્લુ એપના સીઈઓ વિભુ અગ્રવાલ અને હોસ્ટ એજાઝ ખાનને સમન્સ મોકલ્યા છે. બંનેને 9 મે સુધીમાં કમિશન સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લુ એપ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે.
સમન્સ મુજબ 29 એપ્રિલ, 2025 ના રોજ, શૉની એક ટૂંકી ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં એજાઝ ખાન મહિલા સ્પર્ધકોને કેમેરા સામે અશ્લીલ પોઝ આપવા કહેતો જોવા મળ્યો હતો. તેમજ સ્પર્ધકોની અસ્વસ્થતા અને ટાસ્ક ન કરવાની વાતને પણ અવગણવામાં આવી.
આવું કન્ટેન્ટ માત્ર મહિલાઓના ગૌરવની વિરુદ્ધ છે
આ મામલે કમિશનનું કહેવું છે કે આવું કન્ટેન્ટ માત્ર મહિલાઓના ગૌરવની વિરુદ્ધ નથી પણ મનોરંજનના નામે જાતીય સતામણીને પણ પ્રોત્સાહન આપે છે. આવું કન્ટેન્ટ મહિલાઓના શૉષણને સામાન્ય બનાવે છે.
કમિશને કહ્યું કે જો આરોપો સાચા સાબિત થાય છે, તો તે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 હેઠળ ગંભીર ગુનાની શ્રેણીમાં આવશે. કમિશનના અધ્યક્ષ વિજયા રહાતકરે કડક શબ્દોમાં કહ્યું કે, ‘કોઈપણ મીડિયા કન્ટેન્ટ જે મહિલાઓ વિરુદ્ધ છે, તેમની સંમતિને અવગણે છે અથવા અશ્લીલતા ફેલાવે છે તેને સહન કરવામાં આવશે નહીં.’
હાઉસ એરેસ્ટ શૉના સ્પર્ધકો કોણ છે?
‘હાઉસ અરેસ્ટ’ શૉ બિગ બોસ અને લોકઅપ શૉની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આ એક બોલ્ડ અને સેન્સર વગરનો રિયાલિટી શૉ છે. ગેહના વશિષ્ઠ, નેહલ વડોદિયા અને આભા પોલ જેવી બોલ્ડ અભિનેત્રીઓ ઉપરાંત, હુમેરા શેખ, સારિકા સાલુંકે, મુસ્કાન અગ્રવાલ, રિતુ રાય, આયુષી ભૌમિક, સિમરન કૌર, જોનિતા ડીક્રુઝ અને નૈના છાબરા આ શૉનો ભાગ હતા. પુરૂષ સ્પર્ધકોમાં રાહુલ ભોજ, સંકલ્પ સોની અને અક્ષય ઉપાધ્યાય જેવા નવોદિત કલાકારોએ શૉબિઝને શૉમાં એન્ટ્રી મળી હતી.