ગૌહત્યા મામલે કડક સજા: અમદાવાદ કોર્ટે બે આરોપીઓને 1 લાખના દંડ સાથે 7 વર્ષની સજા ફટકારી

By: nationgujarat
25 Mar, 2025

અમદાવાદ: ગુજરાતમાં ગૌહત્યાની ઘટના ઘણી વખત સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટ ગૌહત્યાના કેસ મામલે બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, 2023 માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાનો ગુનો નોંધાયો હતો.

વર્ષ 2023 માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટ (The Prevention of Cruelty to Animals Act)ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી ઇમરાન અને મોસીન શેખ સામે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે સીટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટે આ બંને આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી છે. સાથે સાથે આ બંને આરોપીઓને એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો 6 માસની સજા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગૌહત્યા સાથે સંબંધિત કેસ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2017 હેઠળ નોંધાય છે, જે ગૌહત્યાને ગંભીર ગુનો ગણે છે. આ કાયદા હેઠળ ગૌહત્યા માટે સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.

આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષણને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘અમે ગૌરક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી પરંતુ ગૌરક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણ પણે ચરિતાર્થ પણ કરીએ છીએ.’

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ મોસીન ઉર્ફે બકરા શરીર શેખને સાત વર્ષની સજા આપવામાં આવી છે”

હર્ષ સંઘવીએ ગૌરક્ષા મામલે સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટના ચુકાદાને વધાવતા કહ્યું કે, ‘અમદાવાદ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે. અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાઓને પકડતા નથી પરંતુ જેલ સજા મળે ત્યાં સુધી કામ કરીએ છીએ.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગૌરક્ષાના ગુના માટે પહેલી સજા 6 વર્ષ અગાઉ આપવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ એક વાછરડીની હત્યા કરી હતી અને તેમાંથી બિરયાની બનાવી હતી. આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 1,02,000 રૂપિયા દંડની સજા ફટકારી હતી.


Related Posts

Load more