ભારતમાં 16મી વસતી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં આગામી જૂન મહિનાથી પ્રારંભ કરાશે. બે તબક્કામાં યોજનારી વસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરવામાં આવશે. કર્મચારી દ્વારા દરેક પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે. ભારતમાં કોવિડના કારણે 2021માં મુલતવી રહેલી 16મી વસતિ ગણતરી હવે હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આગામી જૂન મહિનાથી પ્રારંભ કરાશે. વનસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટિંગ અને બીજા તબક્કામાં મુખ્ય વસતિ ગણતરી હાથ ધરાશે.
બંને તબક્કામાં સ્વ-ગણતરી (Self Enumeration) ની ઓનલાઈન સુવિધા પણ પ્રથમ વખત આપવામાં આવી છે. સેલ્ફ-એન્યુમરેશન એક વેબ પોર્ટલ દ્વારા થશે, જેમાં લોકો ઘરે-ઘરે સર્વેક્ષણના 15 દિવસ પહેલા પોતાની માહિતી જાતે ઓનલાઈન ભરી શકશે. પોર્ટલ પર ફોર્મ ભરવા માટે 16 ભાષાઓ આપવામાં આવી છે. આ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે લોકો સ્વ-ગણતરી નહીં કરે, તેઓ પરંપરાગત રીતે સરકારી કર્મચારી ઘરે આવે ત્યારે ડેટા આપી શકે છે. જેમણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તેમનો ડેટા ચકાસવા માટે પણ સરકારી કર્મચારી તેમના ઘરે જશે.
આ વસતિ ગણતરીમાં આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થવાની શક્યતા છે, જેમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર ‘ડિજી ડોટ’ તરીકે દર્શાવવામાં આવશે. આથી આપત્તિના સમયે બચાવ કામગીરીમાં મદદ મળશે, સીમાંકન પ્રક્રિયા વધુ સરળ બનશે અને શહેરી આયોજનમાં પણ સચોટતા આવશે. તે ઉપરાંત, શહેરીકરણ અને સ્થળાંતરના દર અંગે સચોટ માહિતી મળશે અને આગામી વર્ષોમાં વિકાસના મૂલ્યાંકન માટે મદદરૂપ થશે. સાથે જ, આધાર સાથે જોડાયેલ જિયો-ટેગિંગ દ્વારા મતદાર યાદીને વધુ સચોટ બનાવવામાં અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ સહાય મળશે.
મેપ પર દરેક ઘર ‘ડિજી ડોટ’ બનશે, તેના 5 ફાયદા થશે
1. આપત્તિમાં સચોટ રાહત- જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર અથવા ભૂકંપ જેવી આપત્તિના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી ક્ષેત્રમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટનાના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે.
2. સીમાંકનમાં મદદ મળશે- રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું યુક્તિસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ આનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર મેપથી આ તસવીર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે ન વહેંચી દેવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં શામેલ થઈ જાય. ઘરોના ડિજી ડોટથી ડિલિમિટેશન (સીમાંકન)ની પ્રક્રિયામાં સરળતા રહેશે.
3. શહેરી આયોજનમાં સરળતા- શહેરોમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો કે બગીચાઓનું આયોજન કરવામાં પણ આ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ જગ્યાના ઘરોના ડિજિટલ લેઆઉટમાં બાળકોની સંખ્યા વધુ હશે તો પાર્ક અને શાળાઓને પ્રાથમિકતા આપીને બનાવવાની યોજનાઓ તૈયાર કરી શકાશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની સંખ્યા વધુ દેખાશે તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઇલ રાહત વાન મોકલી શકાશે.
4. શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશે- આ વસ્તી ગણતરીના દસ વર્ષ પછી થનારી વસ્તી ગણતરીમાં ડિજિટલ નકશાના ફેરફારો સરળતાથી નોંધણી કરી શકાશે. દેશના વિવિધ ભાગોમાં શહેરીકરણનો દર અને સ્થળાંતરના વિસ્તારોની મેપિંગની તુલના ચોક્કસ રીતે કરી શકાશે.
5. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે- આધારની ઓળખ સાથે જિયો ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલી જોડાયેલો હશે ત્યારે બેવડા રજીસ્ટ્રેશનના સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ એકસાથે ચાલી રહી છે, જેના કારણે અધ્યાપકો પહેલાથી જ ભારે કાર્યભાર હેઠળ છે.