નવી દિલ્હીઃ દેશમાં આજે ડઝનોથી વધુ વંદે ભારત ટ્રેનો દોડતી જોવા મળી રહી છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સેમી હાઈ સ્પીડ ટ્રેને ભારતીય રેલવેની છબી બદલી નાખી છે. હવે તો રેલવેએ વંદે ભારતની સ્લીપર ટ્રેનો પણ ચલાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ, શું તમને ખબર છે કે રેલવે આ ટ્રેન માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ભાડું ચૂકવે છે? તો શું આનો અર્થ એ છે કે વંદે ભારત રેલવેની પોતાની સંપત્તિ નથી? તો પછી આ ટ્રેનનો સાચો માલિક કોણ છે અને જો રેલવે તેની સાચી માલિક છે તો તે ભાડું કેમ ચૂકવે છે?દેશના મોટા શહેરોને જોડવા માટે ચલાવવામાં આવી રહેલી વંદે ભારત ટ્રેન તેની અનેક વિશેષતાઓને કારણે મુસાફરોને ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ, કદાચ જ કોઈને ખબર હશે કે ભારતીય રેલવે આ ટ્રેન માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ભાડું ચૂકવે છે. આથી તમારા મનમાં પણ આ પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો હશે કે, આ ટ્રેનોનો સાચો માલિક કોણ છે, જો રેલવે તેના માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ભાડું ચૂકવે છે તો આ પૈસા કોની પાસે જાય છે. આવો વિગતમાં જાણીએ.
વંદે ભારતનો સાચો માલિક કોણ છે?-
સૌપ્રથમ વાત કરીએ કે વંદે ભારત ટ્રેનનો સાચો માલિક કોણ છે. તેનો સીધો અને સરળ જવાબ છે, રેલવે. હા, ભારતીય રેલવે જ વંદે ભારત ટ્રેનોનો સાચો માલિક છે. મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન હેઠળ આ ટ્રેનોના કોચને ચેન્નઈ અને દેશના અન્ય સ્થળોએ આવેલી ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે. ભારતીય રેલવે અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માટે લગભગ 500 કોચનું નિર્માણ કરી ચૂક્યું છે. દર વર્ષે તેના ડઝનોથી વધુ કોચ બનાવવામાં આવે છે, જેની અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે.
પછી રેલવે ભાડું કેમ આપે છે?-
હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે, જ્યારે વંદે ભારતનો સાચો માલિક રેલવે છે તો દર વર્ષે કરોડો રૂપિયામાં તેનું ભાડુ કેમ ચૂકવે છે. તેનો જવાબ છે કે, આ ટ્રેનોને બનાવવામાં દર વર્ષે અબજો રૂપિયાની કિંમત થાય છે. રેલવે પાસે આ માટે એકસામટા પૈસા નથી હોતા, તેથી તે આ પૈસાને બજારમાંથી ઉધાર લે છે. ઉધાર લેવા માટે રેલવેની પોતાની અલગ કંપની છે, જેનું નામ છે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC). આ કંપની બજારમાંથી ઉધાર લે છે અને આ પૈસાઓ પર વ્યાજ પણ ચૂકવે છે. IRFC દ્વારા મેળવેલા આ પૈસાનો ઉપયોગ રેલવે પોતે કરે છે અને તેના પર સરકાર એટલે કે રેલવેની તરફથી વ્યાજ સહિત રિટર્ન આપવામાં આવે છે. આ જ કારણ છે કે દર વર્ષે રેલવેને વંદે ભારત ટ્રેન માટે પણ કરોડો રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે.
ક્યાં ઉપયોગ થાય છે પૈસા?-
IRFCના આ પૈસાનો ઉપયોગ રેલવે વંદે ભારત સહિત અન્ય ટ્રેનોના કોચ બનાવવા, પાટા વિછાવવા સહિત અન્ય નિર્માણ કાર્યમાં કરે છે. IRFC આ વસ્તુઓનું ફંડિંગ કરે છે અને પછી રેલવેને ભાડે આપે છે. તેના બદલામાં રેલવે દર વર્ષે તેને ભાડા રૂપે પૈસા પાછા આપે છે. તેનો ફાયદો એ છે કે, રેલવે પર એકસાથે મોટો ખર્ચનો બોજો નથી આવતો અને તે આ ટ્રેનોમાંથી કમાણી કરીને પાછા ભાડા રૂપે આપી દે છે. આ બધું કામ IRFC દ્વારા જ થાય છે, જેને રેલવે ભાડા રૂપે પૈસા આપે છે.
કેટલા પૈસા ખર્ચ થયા છે?-
IRFCને વ્યાજ અને મૂળધન પાછું આપવા માટે રેલવેને દર વર્ષે હજારો કરોડ રૂપિયા આપવા પડે છે. 2023-24ના નાણાકીય વર્ષમાં આ આંકડો 30,154 કરોડ રૂપિયા હતો. જેમાંથી 17 હજાર કરોડથી વધુ રકમ મૂળધન રૂપે આપવામાં આવી હતી, જ્યારે 13 હજાર કરોડથી વધુ રકમ વ્યાજ રૂપે ચૂકવવામાં આવી હતી. આ સમયગાળા સુધી રેલવે 2.95 લાખ કરોડ રૂપિયાની સંપત્તિઓ ભાડે લઈ ચૂકી છે, જેના વ્યાજ અને મૂળધન રૂપે આ પૈસા ચૂકવવામાં આવ્યા. આ પૈસા માત્ર વંદે ભારત માટે જ નહીં, પરંતુ લગભગ 13 હજાર રેલવે એન્જિન અને અન્ય કોચ માટે પણ ચૂકવવામાં આવ્યા છે.