કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું: કેબિનેટમાં જાહેરાત, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ

By: Nation Gujarat Team
28 May, 2026

Siddaramaiah Resigns: કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. સીએમ આવાસ કાવેરી ખાતે યોજાયેલી કેબિનેટ મંત્રીઓની હાઈ-વોલ્ટેજ બ્રેકફાસ્ટ મીટિંગમાં સિદ્ધારામૈયાએ ખૂબ જ ભાવુક માહોલ વચ્ચે આ મોટો નિર્ણય જાહેર કર્યો હતો.

શિવકુમારે સીએમના પગે લાગીને લીધા આશીર્વાદ

આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

રાજ્યપાલ બેંગલુરુમાં નથી, તો રાજીનામું કેવી રીતે મંજૂર થશે?

સિદ્ધારામૈયા સવારે 11 વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતા, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરુ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે?

સીએમઓ (CMO) એ સ્થિતિ સ્પષ્ટ કરી

કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, “મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરુમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે.” કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે શુક્રવારે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.


Related Posts

Load more