ઊંઝાની ધરતીના પાકને રાષ્ટ્રીય સન્માન, વરિયાળને પણ જીઆઈ ટેગ, જીરુની જેમ વૈશ્વિક ઓળખ મળી

By: Nation Gujarat Team
13 Jul, 2026

Unjha Fennel GI Tag: ગુજરાતના વેપાર જગત અને ખાસ કરીને ખેડૂતો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝા એપીએમસી (APMC)ના ખાતામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ઊંઝાના વિશ્વપ્રસિદ્ધ જીરા બાદ, હવે અહીંની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વરિયાળીને પણ સત્તાવાર રીતે ‘જીઆઈ ટેગ’ (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેગ મળ્યા બાદ ઊંઝાની વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળશે અને તે વિશ્વભરમાં એક સ્થાપિત બ્રાન્ડ તરીકે ઉભરી આવશે.

ખેડૂતોની મહેનત અને ઊંઝાની માટીની મીઠાશનું રાષ્ટ્રીય સન્માન

વરિયાળીને મળેલો આ જીઆઈ ટેગ એ માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતોની મહેનત, વેપારીઓના વિશ્વાસ અને ઊંઝાની માટીની મીઠાશનું રાષ્ટ્રીય સન્માન છે. આ સિદ્ધિથી હવે દેશ-દુનિયામાં ‘ઊંઝાની વરિયાળી’ એક બ્રાન્ડ તરીકે વેચાશે, જેનો સીધો આર્થિક ફાયદો સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને થશે.

સફળતા પાછળ સંસ્થાઓનું માર્ગદર્શન અને અથાગ પ્રયાસો

ઊંઝાની વરિયાળીને વૈશ્વિક સ્તરે આ પ્રતિષ્ઠિત ઓળખ અપાવવા માટે લાંબી પ્રક્રિયા અને સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સફરમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો તરફથી સતત સચોટ માર્ગદર્શન અને સહકાર મળતો રહ્યો હતો. આ ઉપરાંત, બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ ઈડીઆઈઆઈ (EDII) ગુજરાત દ્વારા આ પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. આ તમામ સંસ્થાઓની સાથે, ઊંઝા એપીએમસી (APMC)ના સત્તાધીશો અને કર્મચારીઓએ આ સિદ્ધિ મેળવવા માટે રાત-દિવસ અથાગ મહેનત કરી હતી, જેથી આ સફળતા બદલ તમામનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.


Related Posts

Load more