અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલમાં ભારતને એક મોટી રાહત મળી છે. અમેરિકન પ્રશાસને ન માત્ર ટેરિફ દરને 50%થી ઘટાડીને 18% કર્યો, પરંતુ રશિયા પાસેથી ખનીજ તેલની આયાત કરવાના કારણે પેનલ્ટી તરીકે લાદવામાં આવેલા 25% ટેરિફને પણ પરત કરવાનો નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસ તરફથી જારી સત્તાવાર માહિતી મુજબ, 27 ઓગસ્ટ 2025થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે અમેરિકા દ્વારા કરાયેલી જે આયાત પર આ પેનલ્ટી લાગી હતી, તેનું રિફંડ આપવામાં આવશે. આ રિફંડ અમેરિકાના ‘’કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન’’ કાયદા હેઠળ જારી કરાશે.
ભારતીય નિકાસકારોને કેટલું રિફંડ મળશે તે હજુ નક્કી નથી. કારણ કે રિફંડની રકમ અમેરિકન આયાતકારોને આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ ભારતીય નિકાસકારો સાથે વાતચીત કરીને આ રકમની વહેંચણી કરશે.
₹40 હજાર કરોડની રાહત મળવાની અપેક્ષા પ્રશ્ન: અમેરિકાથી કેટલું રિફંડ પાછું મળી શકે છે?
જવાબ: યુએસ ટ્રેઝરી અનુસાર, અમેરિકાએ વિદેશથી આયાત કરેલી વસ્તુઓ પર 2024માં 79 અબજ ડોલરનો ટેરિફ વસૂલ્યો. 2025માં આ આંકડો વધીને 194 અબજ ડોલર થઈ ગયો. અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો 3.5% છે.
ભારતમાંથી અમેરિકી નિકાસનો 60% હિસ્સો ટેરિફના દાયરામાં છે. આ હિસાબે જોઈએ તો અત્યાર સુધી અમેરિકાએ ભારતમાંથી આયાત પર 50% ટેરિફ લગાવીને લગભગ 4 અબજ ડોલર (40 હજાર કરોડ રૂપિયા) વધારાના વસૂલ્યા છે. આ જ રકમ રિફંડ થશે, જેમાં ભારતીય વેપારીઓને પણ હિસ્સો મળશે.
ભારત પર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના
ટ્રેડ ડીલ અંગેના વચગાળાના કરારના માળખા મુજબ, ભારત રશિયા પાસેથી ફરી ખનીજ તેલની આયાત શરૂ ન કરે તેની દેખરેખ રાખવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ મંત્રીઓની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેમાં વાણિજ્ય મંત્રી, વિદેશ મંત્રી અને નાણામંત્રી સામેલ છે. જો આ સમિતિને લાગશે કે ભારતે રશિયા પાસેથી ફરી ખનીજ તેલની આયાત શરૂ કરી દીધી છે, તો તે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફરીથી 25% પેનલ્ટી લાદવા અને અન્ય કાર્યવાહી કરવા માટે ભલામણ કરી શકે છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું, ક્યાં-ક્યાં એન્ટ્રી નથી આપી?
ટ્રેડ ડીલને લઈને ભારત સરકારે કહ્યું છે કે આ સમજૂતી ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ અને નવી ઊંચાઈઓ આપનારી સાબિત થશે. ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ પણ ઉત્પાદન આ ટ્રેડ ડીલમાં સામેલ નથી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે કઈ વસ્તુઓને અમેરિકાને ટેરિફમાં મુક્તિ આપવામાં આવી નથી. છોલ્યા વગરના અનાજ અને લોટ, બટાકા, ડુંગળી, વટાણા, કઠોળ, કાકડી, મશરૂમ, નારંગી, દ્રાક્ષ, લીંબુ અને મિશ્ર જથ્થાબંધ શાકભાજી ભારતમાં પ્રવેશ કરશે નહીં.
પીયૂષ ગોયલ બોલ્યા- ટ્રેડ ડીલથી ખેડૂતોની આવક વધશે
અમેરિકા સાથેના ટ્રેડ ડીલ પર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે કહ્યું કે તે લેવડ-દેવડનો મામલો છે. જો હું કંઈ નહીં આપું, તો હું મારા ખેડૂતો માટે અમેરિકામાં બજાર કેવી રીતે ખોલીશ? અમેરિકી બજાર ખૂલવાથી આપણા ખેડૂતોની આવક વધશે. જો કોઈ કહે છે કે બે પાનાના સંયુક્ત નિવેદનમાં સુરક્ષાનો અભાવ છે, તો તે ગેરમાર્ગે દોરે છે. ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા હજુ બાકી છે.
હવે ભારત એવા દેશોમાં સામેલ, જેના પર સૌથી ઓછો ટેરિફ
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે NDTV સાથેની વાતચીતમાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં કેટલાક ટેકનિકલ કાગળો પર હસ્તાક્ષર થશે, પરંતુ ડીલ લગભગ નક્કી છે.
ગોરે કહ્યું કે, આ ટેરિફ કરાર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલી મજબૂત મિત્રતાનું પરિણામ છે. આ ટેરિફ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ ઓછો છે. પહેલા ભારત પર ઘણો વધારે ટેરિફ લાગતો હતો, પરંતુ હવે ભારત એવા દેશોમાં આવી ગયું છે જેના પર ઓછો ટેરિફ છે.
રાજદૂત ગોરના મતે, ટ્રમ્પ અને મોદીની મિત્રતા આ ડીલને પૂર્ણ કરવામાં સૌથી મોટું કારણ બની. ગોરે કહ્યું કે અમેરિકા અને ભારતના સંબંધોમાં ઘણી મોટી સંભાવનાઓ છે. આ વ્યાપાર કરાર પછી બંને દેશોના સંબંધોનો આગલો તબક્કો શરૂ થશે.
આ દરમિયાન વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પણ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું છે કે અમેરિકા, ભારતથી આવતા સામાન પર લગાવવામાં આવેલો તે વધારાનો ટેરિફ હટાવી દેશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં સજા તરીકે લગાવવામાં આવ્યો હતો.
રશિયાએ કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા પર કંઈ કહ્યું નથી
રશિયાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા ક્યારેય ભારતનો એકમાત્ર ઊર્જા ભાગીદાર રહ્યું નથી અને પુરવઠામાં ફેરફારને અસામાન્ય કે ખોટો ગણી શકાય નહીં. પેસ્કોવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોસ્કોને ભારત તરફથી રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવા અંગે કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી. તેમણે એક દિવસ પહેલા પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે નવી દિલ્હી તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી.