વોશિંગ્ટન, ડી.સી.માં વ્હાઇટ હાઉસની નજીક થયેલા ગોળીબારની ઘટનાએ અમેરિકાની રાજધાનીમાં મોટો હડકંપ મચાવ્યો છે. બપોરના સમયે બનેલી આ ઘટનામાં બે નેશનલ ગાર્ડસમેન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘આતંકવાદી હુમલો’ ગણાવીને કડક નિંદા કરી છે, જેના પગલે દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે આશરે 2:15 વાગ્યે ડાઉનટાઉન વોશિંગ્ટન, ડી.સી. વિસ્તારમાં બની હતી. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ડી.સી. નેશનલ ગાર્ડના સભ્યો તે સમયે ‘હાઇ-વિઝિબિલિટી પેટ્રોલિંગ’ પર હતા. અહેવાલો મુજબ, એક શંકાસ્પદ વ્યક્તિ ગાર્ડ્સની નજીક પહોંચ્યો અને અચાનક બંદૂક ઉઠાવીને તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ હુમલો ખૂબ જ ઝડપથી થયો હતો. જોકે, ગાર્ડ્સની ત્વરિત કાર્યવાહી અને બહાદુરીના કારણે ટૂંકા સંઘર્ષ પછી હુમલાખોરને કાબુમાં લેવામાં અને પકડી પાડવામાં તેઓ સફળ રહ્યા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા બંને નેશનલ ગાર્ડસમેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ કેસમાં ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. NBCના અહેવાલ મુજબ, આ શખ્સ 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનઉલ્લાહ છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. આ હુમલાખોર અફઘાનિસ્તાનનો હોવાની વાતથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. તેમણે આ ઘટનાને સીધો આતંકવાદી હુમલો ગણાવીને કહ્યું છે કે હુમલાખોરોએ આની ભારે કિંમત ચૂકવવી પડશે. આ નિવેદનથી સમગ્ર મામલો રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી વધુ ગંભીર બની ગયો છે.