અમેરિકામાં નોકરી કરતાં ભારતીયોને વધુ એક ઝટકો! ઓટોમેટિક રિન્યુ નહીં થાય વર્ક પરમિટ

By: nationgujarat
30 Oct, 2025

USA Work Permit Rules: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી પર સીધી અસર કરશે. આ નવો નિયમ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) ધરાવતા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી નહીં આપે, જેમણે પોતાની વર્ક પરમિટની મુદત પૂર્ણ થયા પહેલાં જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે. આ નિયમ પૂર્વ પ્રમુખ જો બાઇડેનની વિઝા રિન્યુઅલનો જવાબ આવે ત્યાં સુધી પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપવાની નીતિનો અંત લાવશે.

યુએસ સીટિઝનશીપ ઍન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS)ના ડિરેક્ટર જોસેફ એડ્લોએ જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે. આ પગલું સામાન્ય છે. જેનાથી ખાતરી કરવામાં આવશે કે, કોઈપણ વિદેશી નાગરિકને કામ કરવાની મંજૂરી મળે અને ડૉક્યુમેન્ટ્સ રિન્યુ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે. તમામ વિદેશી નાગરિકોએ યાદ રાખવું પડશે કે, અમેરિકામાં કામ કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે.

EAD એક એવો દસ્તાવેજ છે, જે પ્રવાસી અને શરણાર્થી અરજદારોને અમેરિકામાં કામ કરવા મંજૂરી આપે છે. ગ્રીનકાર્ડ ધારકો અને એચ-1બી, એલ-1 અને O-1 વિઝાધારકોને EADની જરૂર પડતી નથી. પરંતુ અમુક એચ-4 વિઝાધારક જીવનસાથી, ગ્રીનકાર્ડધારક જીવનસાથી, અને એફ-1 વિદ્યાર્થીઓને EADની જરૂર પડે છે. વધુમાં વિઝા રિન્યુઅલની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને EAD આપવામાં આવે છે. EAD  ધરાવતા મોટાભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.

જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટી (DHS)એ જણાવ્યું હતું કે, USCIS ભલામણ કરે છે કે વિદેશી નાગરિકો તેમના EAD સમાપ્ત થાય તેના 180 દિવસ પહેલા રિન્યુ કરે. અરજી જેટલી મોડી થશે, તેમના કામ કરવાના અધિકારને અચોક્કસ મુદત સુધી રદ થવાની શક્યતા વધી જશે. વધુમાં વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિયમ 30 ઑક્ટોબર, 2025 પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EAD પર લાગુ થશે નહીં.


Related Posts

Load more