અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: હોસ્ટેલમાં રહેતી 9માંથી 6 યુવતી ડ્રગ્સના રવાડે ચડી! પિતાની સતર્કતાથી ખૂલ્યું રેકેટ

By: Nation Gujarat Team
17 Nov, 2026

અમદાવાદમાં અભ્યાસ માટે આવી એક હોસ્ટેલમાં રહેતી 9 યુવતીઓ સખીઓ બની પણ સમય જતાં 6 યુવતીઓનું ગઠબંધન ગાઢ બન્યું. કમનસીબી હતી કે, ડ્રગ્સના નશાના રવાડે ચડી હોવાથી 6 યુવતી મિત્રતા જાણે આજિવન અને અતૂટ હોવાનો અહેસાસ કરવા લાગી હતી. વેકેશનમાં વતનમાં ધરે ગઈ ત્યારે એક યુવતીના વર્તનથી પિતાને શંકા ગઈ અને તપાસ કરતાં યુવતીઓના આખા ગ્રુપમાં વ્યાપી ચૂકેલા ડ્રગ્સ કૂટેવનો પર્દાફાશ થયો.

ડી-એડિકશન સેન્ટરમાં સારવાર દરમિયાન નશો ફેલાવવાના આયોજનબદ્ધ રેકેટનો પર્દાફાશ

અન્ય યુવતીઓના પરિવારજનોને પણ વાત કરવામાં આવતા બે યુવતીઓને સારવાર માટે ડી-એડિક્શન સેન્ટરમાં ખસેડવી પડી. બન્નેને સારવાર આપી રજા આપી દેવાઈ તેના થોડા દિવસ પછી એક યુવતી રિ-એડિક્ટ બની. મતલબ, ડ્રગ્સની લતમાંથી છુટકારો મેળવ્યો અને ફરી એ જ નશાની ચુંગાલમાં યુવતી ફરી ફસાઈ ગઈ. ડી-એડિકશન સેન્ટર્સમાં દર્દીઓની પૂછપરછમાં એમ.ડી. કે ગાંજાનો નશો ફેલાવવાના આયોજનબદ્ધ રેકેટનો પર્દાફાશ થયો હતો. એક યુવક કે યુવતીને નશાની લત લાગે પછી આખા ગ્રુપને નશાના રવાડે ચડાવવાનું કારસ્તાન ગુજરાતમાં ચાલે છે. અમદાવાદમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ અને રાજ્યમાં ડ્રગ્સ નાબૂદીની વાતો થઈ રહી છે ત્યારે ડ્રગ્સ ડી-એડિકશનના અનેક તથ્યો ચોંકાવે તેવા છે.

નશા નાબૂદીની વાતો વચ્ચે ગુજરાત જાણે ‘મિની પંજાબ’

જાણકારો કહે છે, અમદાવાદ સહિત ગુજરાતમાં 18થી 35 વર્ષની વય જૂથના યુવકો-યુવતીઓમાં સ્મોકિંગનું પ્રમાણ વિશેષ છે. સ્મોકિંગની લતમાંથી ડ્રગ્સ કે ગાંજાના નશાના રવાડે ચડવામાં 90 ટકા બોયઝ અને 10 ટકા ગર્લ્સ છે. ગુજરાતમાં ઈન્જેક્શનથી ડ્રગ્સ લેવા કરતાં ડ્રગ્સ સ્મોકિંગનું પ્રમાણ વધુ છે. પાર્ટી ડ્રગ્સનું ચલણ વધવા સાથે ગુજરાતમાં પંજાબ જેવું ડ્રગ્સ કલ્ચર વિકસી રહ્યું છે તે ચિંતાજનક છે. ગુજરાતમાં ખાનગી અને સરકારી મળી 50થી વધુ ડી-એડિકશન સેન્ટર્સ કાર્યરત છે અને તેમાં સારવાર લેનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આવા કેન્દ્રોમાં તાજેતરમાં લગ્નની બેચલર પાર્ટીમાં ડ્રગ્સ લેવાના કિસ્સા પણ ખુલતાં સ્વજનો આઘાતમાં સરી પડ્યા હતા.

સંતાનોને નશાની લત છોડાવવા પરિવારોએ શહેર-રાજ્ય બદલ્યાં!

અમુક કિસ્સામાં તો સંતાનની નશાની લત છોડાવવા પરિવારે શહેર કે રાજ્ય બદલ્યા હોવાના કિસ્સા પણ છે. ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે વર્ષે લગભગ સવા લાખ લોકો સારવાર લે છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં વ્યસન મુક્તિ માટે સારવાર લેનારાઓના કિસ્સાઓમાં 95 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 2020થી વ્યસન મુક્તિ ક્લિનિક્સમાં આવતા દદીઓની સંખ્યા 25 થી 40 ટકા સુધી વધી છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં અંદાજે 7.9 લાખ લોકો અફીણયુક્ત પદાર્થોનો ઉપયોગ કરે છે, 6.9 લાખ લોકો દર્દશામક દવાઓના અને 4.8 લાખ લોકો ગાંજાના વ્યસની છે.

અસરગ્રસ્ત વ્યક્તિઓમાંથી 10 ટકાથી પણ ઓછા લોકો સક્રિયપણે પુનવર્સન પ્રક્રિયામાં જોડાય છે તેવી વિગતો નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ઓફ ઈન્ડિયાના અભ્યાસમાં ખુલી છે. ગુજરાતમાં 80 ટકા દારૂના અને 20 ટકા નશીલા પર્દાર્થના વ્યસની હતાં તે સંખ્યા કોરોના પછી 60 ટકા અને 40 ટકા થઈ છે. નશો કરવા માટેની જિજ્ઞાસા, સાથીઓનું દબાણ, તણાવ દૂર કરવાનો પ્રયાસ આદતમાં પરિણમે તે પછી નશા ઉપર નિયંત્રણ મુશ્કેલ બને છે. પરિવારનો સતત સહયોગ, લાગણી, કાળજી અને હૂંફ જ આવનારી પેઢીને નશાની ચંગૂલમાંથી મુક્ત કરાવી શકે છે.

નશાની લત છોડાવવા માટે 3 મહિનાની સારવાર : પરિવારની સતર્કતા જરૂરી

નશાની લત છોડાવવા માટે અમદાવાદ અને ગુજરાતમાં બે ડઝન જેટલા ખાનગી ઉપરાંત વ્યસનીઓની સારવાર માટે 34 સરકારી જિલ્લા હોસ્પિટલોમાં 510 બેડ સરકારે ફાળવ્યા છે. નશાની લત છોડાવવા માટે 15 દિવસથી 3 મહિનાની મનોવૈજ્ઞાનિક સારવાર આપવામાં આવે છે. આમ છતાં, પરિવાર સતર્કતા દાખવે તો જ સંપૂર્ણ નશામુક્તિ શક્ય છે.

પાનના ગલ્લા નશાખોરીનો ફેલાવો વઝારવા ગાઈડની ભૂમિકા ભજવે છે?

અમદાવાદ સહિત ગુજરાતના શહેરી વિસ્તારોમાં સિગારેટ વેચાતી હોય છે તેવા અનેક ગલ્લાને શંકાના પરિઘમાં લઈ તપાસ થવી જોઈએ. યંગસ્ટર્સ સિગારેટની એક જ જગ્યાથી ખરીદી દરમિયાન અમુક ગલ્લાવાળા ડ્રગ્સના નશાખોરીનો ફેલાવો વધારવા ગાઈડ બનતાં હોવાનો ઘટસ્ફોટ ડ્રગ્સ-એડિક્ટની સારવાર સાથે જોડાયેલા સૂત્રો કહે છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score