અંડર-19 એશિયા કપમાં આજે ભારત Vs પાકિસ્તાન

By: Nation Gujarat Team
08 Nov, 2026

અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો રવિવારે આમને-સામને થશે. મુકાબલો ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 10:30 વાગ્યાથી રમાશે. ટોસ સવારે 10 વાગ્યે થશે.

બંને ટીમોએ ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પ્રથમ મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને UAEને 9 વિકેટે માત આપી હતી.

ભારત તરફથી પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર પર નજર રહેશે. તેમણે નેપાળ સામે 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. બીજી તરફ, પાકિસ્તાનના ઉસ્માન ખાને UAE સામે 120 બોલમાં અણનમ 139 રનની ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેન પોતાની ટીમો માટે પ્રથમ મેચમાં ટોપ સ્કોરર રહ્યા હતા.

બંને ટીમ

ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાણી (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ (ઉપકપ્તાન), કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સાવસાણી, મોહિત ઉલ્વા, કાવ્યા પટેલ, શાવિન વિનોદ અને ઈશાન સૂદ.

પાકિસ્તાન અંડર-19: ફરહાન યુસુફ (કેપ્ટન), અબ્દુલ કાદિર (વિકેટકીપર), અબ્દુલ સુભાન, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, હયામ ખાન, હુઝૈફા અહસાન, જહાંગીર બિલાલ, મોહમ્મદ હુઝૈફા, મોહમ્મદ સૈયમ, નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ અને ઉસ્માન ખાન.

પ્રથમ મેચમાં ભારતની ઓપનિંગ જોડીએ અપાવી હતી જીત

ભારતે નેપાળ સામે પ્રથમ બોલિંગ કરતાં તેને 128 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઈશાન સૂદ અને અર્જુન રાજપૂતે 3-3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 19.1 ઓવરમાં 129 રન બનાવીને મુકાબલો જીતી લીધો હતો. આર્યવીર સેહવાગ 70 અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની 53 રન બનાવીને અણનમ રહ્યા હતા.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score