વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફ્રાંસના પ્રવાસે છે અને આ બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે મોટા સમાચાર આવ્યા છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની મુલાકાત બાદ બંને દેશોમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIને લઈને એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પછી, હવે તમે તેનો ઉપયોગ ફ્રાન્સમાં પણ કરી શકો છો.ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI પેમેન્ટ કરી શકશે. વડાપ્રધાને કહ્યું કે ફ્રાન્સમાં UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કરાર કરવામાં આવ્યો છે, તે એફિલ ટાવરથી શરૂ થશે. તેમણે કહ્યું કે ભારતીયો અહીં UPI દ્વારા રૂપિયામાં ચૂકવણી કરી શકશે. પીએમ મોદીએ કહ્યું કે આ કરાર ભારતીય ઈનોવેશન માટે એક મોટું નવું બજાર ખોલશે.
એએનઆઈના અહેવાલ મુજબ, પેરિસમાં લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ભલે તે ભારતનું યુપીઆઈ હોય કે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ, તેઓએ દેશમાં એક મોટું સામાજિક પરિવર્તન લાવ્યું છે અને મને ખુશી છે કે ભારત અને ફ્રાન્સ આ દિશામાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2022માં UPI સેવાઓ પૂરી પાડતી અગ્રણી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ફ્રાન્સની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘Lyra’ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.