હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમ

By: nationgujarat
14 Jun, 2024

વેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ગુજરાતભરની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જે મુજબ અનેક ફેરફારો કરાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ બઢતીનો નવો નિયમ જાહેર કરાયો છે. જે મુજબ ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈને આગળ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે. બોર્ડ દ્વારા વર્ગ બઢતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે એક ધોરણ-10 માં બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત મુદ્દે બેદરકારી સામે આવી છે. ત્યાર બાદ હવે ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પંદર દિવસ બાદ ફરી પરીક્ષા લેવા માટે આદેશ કરાયો છે. સ્કૂલોએ ફરી નાપાસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. નવા નિયમ મુજબ, સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાની રહેશે. 33 ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે.એક તરફ ધોરણ 9 અને ધોરણ 11 માં એડમિશન અપાઈ ગયા છે અને શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ફરી પરીક્ષા બાદ પાસ થનારને કેવી રીતે પ્રવેશ આપવો તે અંગે શાળાની મૂંઝવણ વધી છે. સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે. આમ, શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ રીટેસ્ટ અને નવા એડમિશન પ્રોસેસ શાળાઓના માથાનો દુખાવો બન્યો છે.

નવા નિયમો

  • ધો. 9ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિદ્યાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશે.
  • પાસ થવા માટે દરેક વિષયમાં ૩૩ ટકા ગુણ હોવા જોઈએ અને બઢતી માટે જે તે વિષયમાં ઓછામાં ઓછા ૨૫ ટકા ગુણ હોવા જોઈએ. વાર્ષિક પરીક્ષાનું પરિણામ ૧૦૦ ગુણના આધારે તૈયાર કરાશે.
  • ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી આગળના ધોરણમાં નહીં જઈ શકે. . ધો.૯ અને ૧૧માં૩૩ ટકાથી વધુ ગુણ લાવનારને દરેક ટકા દીઠ એક ગુણ અને વધુમાં ૧૫ ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખુટતા ગુણ આપી શકાશે.
  • એકથી વધુ વિષયમાં નાપાસને આગળ પ્રવેશ માટે આચાર્ય ૧૦ સુધી કૃપાગુણ આપી શકશે. પરંતુ આ ગુણ વત્તા કરી અલગ દર્શાવવાના રહેશે અને રેન્ક નહીં મળી શકે.
  • વિદ્યાર્થીની શાળામાં હાજરી ૧૦૦ ટકા ફરજીયાત રહેશે. ૧૫ ટકા સુધી સુધી છુટ આચાર્ય આપી શકશે. ૧૫થી૨૫ ટકા સુધી છુટ ડીઈઓ આપી શકશે.
  • ૨૬ ટકાથી વધુ છુટ બોર્ડના સચિવની પૂર્વ પરવાનગીથી આપી શકાશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં જે દિવ્યાંગોને છુટછાટ અપાય છે તે જ રીતે ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલ પરીક્ષામાં પણ છુટ આપવાની રહેશે.
  • ગણિત વિષય માટે મોટો નિર્ણય
    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 માં ગણિત વિષયને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. ધોરણ 11 મા પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10 મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે, તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મળશે. 2024 -25 શૈક્ષણિક સત્રથી આનો લાભ મળશે.

    સ્ટાન્ડર્ડ ગણિત અંગેના નિર્ણય અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહ્યું કે, વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે. નવી શિક્ષણનીતિના કારણે બાળકો આગળના વર્ષે જે ઇચ્છે એ અભ્યાસ કરી શકે એ જરૂરી છે. અત્યાર સુધી B ગ્રુપમાં માત્ર સ્ટાન્ડર્ડ ગણિત વાળા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્તા હતા. સરકારના નિર્ણયથી ૧૧ સાયન્સમાં ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થી પ્રવેશ માટે સમર્થ બનશે.


Related Posts

Load more