ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સવારે એક તરફ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. ટુંક સમયમાં તે ભાજપમા જોડાશે.