રાજકોટ: આગામી તા.21થી શરૂ થનારી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં હવે ગુજરાતના પુરા વહીવટીતંત્રને ડિજીટલ ફોર્મેટમાં લઈ જવા તથા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની પણ મદદ લેવા પર રીસર્ચ પેપર રજુ થશે અને તેના પર વિચારણા કરી રચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે. સોમનાથમાં આ અંગે તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજયના તમામ સનદી અધિકારીઓએ આ ચિંતન શિબિરમાં પુરા ત્રણ દિવસ હાજરી ફરજીયાત છે. જેમાં આઈપીએસ અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે.
મુખ્યમંત્રી તથા તમામ મંત્રીઓ પણ અલગ અલગ જૂથનું નેતૃત્વ કરશે. આ ચિંતન શિબિરમાં પ્રથમ વખત ડીજીટલ ગુજરાત અંગે વ્યાપક વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની ભૂમિકા વધતી જાય છે અને તેના આધારે સરકારની કામગીરી સરળ બની શકે છે તો લોકોને પણ સરકારી સેવાઓ વધુ ઝડપથી મળી શકે છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી તંત્રમાં એઆઈના ઉપયોગની સાથે તેની સાઈડ ઈફેકટ જેવા ડીપફેકથી જે રીતે ચિંતા સર્જાઈ છે તેને કઈ રીતે હેન્ડલ કરવી તે પણ વિચારણા કરાશે. 300 જેટલા ટોચના સરકારી અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજરી આપશે. ખાસ કરીને ગુજરાતમાં હવે સાયબર ફ્રોડ વધતા જાય છે તે અંગે પણ આ શિબિરમાં એક ખાસ સેસન યોજાય અને સાયબર ફ્રોડ સામેની કામગીરી વધુ અસરકારક બને તે જોવા પણ ખાસ પ્રયાસ કરાશે.
આ ઉપરાંત ગ્રામીણ અર્થતંત્ર, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્કીલ મેનેજમેન્ટ, ફાયનાન્સ અને સામાજીક માળખાકીય સુવિધાઓ અંગે પણ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ચર્ચા થશે. આ ઉપરાંત એક ખાસ સેસન વિવિધ સરકારી યોજનાઓ અંગે લાભાર્થીઓને મળતી મદદ તેમાં જરૂરી સુધારા ઉપરાંત લોકો આ યોજનાઓનો લાભ મહતમ કઈ રીતે મેળવી શકે તે જોવા માટે ખાસ ચર્ચા માટે સામાન્ય રીતે લોકો એક કે બે યોજનાઓનો લાભ ઉઠાવે છે પણ જેઓ જરૂરિયાતમંદ છે.
તેઓને સર્વાંગી રીતે લાભ મળી રહે તેવી અનેક યોજનાઓ છે. જે માટે ‘પેકેજ’ જેવી વ્યવસ્થા અંગે પણ ચર્ચા થશે જેથી સરકારનો જે સર્વાંગી વિકાસનો હેતુ છે તે સાર્થક બની શકે આ માટે અધિકારીઓને યોજનાના લાભો સર્વાંગી રીતે મળે તે જોવા જણાવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચિંતન શિબિર પુર્વે એક બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી.
જેમાં દરેક ચિંતન શિબિરમાં જવા મુદાઓને આવકાર્ય ગણાવાયા પણ અગાઉની ચિંતન શિબિરમાં જે નિર્ણયો લેવાયો તેના અમલ અંગે પણ રીવ્યુ જરૂરી હોવાની ટકાર થઈ હતી. સોમનાથ ચિંતન શિબિર દોઢ વર્ષના સમયગાળા બાદ યોજાઈ રહી છે પણ અગાઉની ચિંતન શિબિરમાં જે નિર્ણયો લેવાયા હતા તેમાં પણ હજુ અનેકનો અમલ થયો નથી અને તેથી ચિંતન શિબિરમાં તેનું પણ ચિંતન થવું જોઈએ તે મંતવ્ય વ્યક્ત થયુ હતું.