સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1થી 6નો વધારો ઝીંક્યો

By: Nation Gujarat Team
19 Nov, 2026

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયા બાદ હવે સુરત અને તાપી જિલ્લાની અગ્રણી સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સુમુલ ડેરીના આ નિર્ણયથી ખાસ કરીને ભેંસનું દૂધ વાપરતા ગ્રાહકોને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. અમૂલ બફેલો મિલ્ક (ભેંસનું દૂધ) ના 1 લિટરના પેકેટમાં સીધો ₹6નો વધારો કરવામાં આવતા તેનો જૂનો ભાવ ₹78થી વધીને ₹84 થઈ ગયો છે. આ ઉપરાંત, સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડના 1 લિટરના પેકેટમાં ₹4નો વધારો થતાં હવે ગ્રાહકોએ ₹72ના બદલે ₹76 ચૂકવવા પડશે, જ્યારે 500 મિ.લી.નું પેકેટ ₹36થી વધીને ₹38નું થયું છે. રોજિંદા વપરાશની અન્ય વેરાયટીઓ પર નજર કરીએ તો, અમૂલ તાઝાના 500 મિ.લી. પાઉચમાં ₹2નો વધારો થતાં તે ₹28થી વધીને ₹30 થયું છે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના 500 મિ.લી. પેકેટમાં ₹1નો વધારો થતાં ₹26ના ₹27 અને 180 મિ.લી.ના પેકેટમાં ₹1ના વધારા સાથે ₹10ના ₹11 થયા છે. તેવી જ રીતે, અમૂલ શક્તિ (500 મિ.લી.) ₹33થી વધીને ₹34 અને સુમુલ ગાયનું દૂધ (500 મિ.લી.) ₹30થી વધીને ₹32 પર પહોંચી ગયું છે.

સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં દરરોજ અંદાજે 12.50 લાખ લિટર દૂધનું વિશાળ વેચાણ કરવામાં આવે છે. આ આંકડો દર્શાવે છે કે ભાવવધારાની અસર માત્ર ગણતરીના લોકો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ લાખો પરિવારોના માસિક ખર્ચમાં સીધો વધારો કરશે. ખાસ કરીને જે પરિવારોમાં નાના બાળકો અને વૃદ્ધો માટે નિયમિત દૂધની ખરીદી થાય છે, તેમને હવે દર મહિને વધુ રકમ ખર્ચવી પડશે. દૂધ એ દરેક ઘરની અત્યંત જીવનજરૂરી વસ્તુ છે, જેના વપરાશમાં સામાન્ય પરિવારો ભાગ્યે જ કાપ મૂકી શકે છે. સવારની ચા-નાસ્તાથી લઈને રસોડાના રોજિંદા ઉપયોગમાં દૂધ અનિવાર્ય હોવાથી આ ભાવવધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળશે. 19મી નવેમ્બરથી નવા દરો લાગુ થઈ જતાં આજ સવારથી જ દૂધ ખરીદવા જતા ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો ભાર પડવાનું શરૂ થઈ ગયું છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score