સાયલાના સુદામડા ગામે ઝડપાઇ સૌથી મોટી ગેરકાયદે ખનીજ ચોરી, ફટકાર્યો 270 કરોડનો દંડ

By: nationgujarat
02 Oct, 2023

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા જીલેટીન સ્ટીક, ડીટોનેટર, ડમ્પર, હીટાચી મશીન જપ્ત કરાયા છે.

ખાણ ખનીજ વિભાગ અને પોલીસે બોલાવ્યો સપાટો
સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો. સુદામડામાં તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પર, 7 હીટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ સુદામડાની સીમમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું.

કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું
ખાન ખનીજ વિભાગ દ્વારા 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા ભૂમાફિયાઓએ અત્યાર સુધીમાં 544.54.955.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો. આથી આ ખનીજની ચોરી કરનારને ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી મોટો આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

ભૂમાફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા
તો ખાણ ખનીજ વિભાગ દ્વારા સુદામડાના ગભરુ મોગલ, સોતાજ યાદવ, કુલદીપ યાદવ, ભરત વાળા સહિત કુલ 27 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો અધધ કહી શકાય તેવો 270 કરોડ જેટલો દંડ ફટકારવામાં આવતા ખનીજ માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

અગાઉ રૂ.121 કરોડનો ફટકાર્યો હતો દંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ માફિયાઓને 121 કરોડ રૂપિયોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં ભૂસ્તર વિભાગે ખનીજ માફિયા વિરૂદ્ધ મોટી કાર્યવાહિ કરી હતી. જેમાં 4 ખનીજ માફિયાઓને ભૂસ્તર વિભાગે રૂ.121 કરોડનો દંડ ફટકાર્યો હતા. છેલ્લા 4 વર્ષથી ખનીજ માફિયા બ્લાસ્ટ કરીને ખનન કરતા હતા. ખનીજ માફિયાના બ્લાસ્ટિંગના કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ વિરૂદ્ધ આસપાસનાં ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જો આ મામલે વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા ગાંધીજી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.


Related Posts