વિવાદ બાદ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની સુરક્ષા વધારાઈ

By: nationgujarat
29 Mar, 2024

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે. ક્ષત્રિય સમાજ સાથે વિવાદ બાદ ઇન્ટેલિજનસ બ્યુરોના ઇનપુટના આધારે તેમની સુરક્ષા વધારાઈ છે.

પરશોત્તમ રૂપાલાની સાથેનો પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, તેમજ તેમના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંગે જ્યાં તેમની સભા અને પ્રચાર હોય ત્યાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ રૂપાલાની ટિકિટ રદ્દ કરે તેવી ક્ષત્રિય સમાજની માંગ

28 માર્ચે ગરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે.

આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણી જોઈનને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ્દ કરે તેવી માંગણી અમે કરી છે.

રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના રહીશ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરશોત્તમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈ.પી.સી.499,500 હેઠળ ફરિયાદ કરી છે. રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ-ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું.


Related Posts

Load more