ક્યારેક નકલી ટોલનાકાના ઘટસ્ફોટના કારણે તો ક્યારેક ટોલનાકા પરના વાયરલ વીડિયોથી ભારતના ટોલ પ્લાઝા અવાર-નવાર ચર્ચામાં રહે છે. જોકે, હાલ ટોલનાકાની ચર્ચા RTI માં સરકારે કરેલાં એક ચોંકાવનારા ખુલાસાથી થઈ રહી છે. એક નેશનલ હાઈવેનું નિર્માણ 1896 કરોડ રૂપિયામાં થયું હતું, જોકે તેના પર બનાવવામાં આવેલા ટોલ પ્લાઝાથી 8 હજાર કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી છે.
એક RTI માં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, NH-8 નું નિર્માણ રાજસ્થાનમાં ગુરૂગ્રામ-કોટપૂતલી-જયપુર સુધી ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારથી લાગુ કરવામાં આવ્યો? સરકારે જવાબમાં જણાવ્યું કે, આ ટોલ પ્લાઝા પર 3 એપ્રિલ 2009 થી ટોલ વસૂલમાં આવી રહ્યો છે. ત્યારબાદ સરકારને પુછવામાં આવ્યુ હતું કે, નિર્માણમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને તેમાં સરકારી ભાગ કેટલો હતો? જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે, હાઈવે નિર્માણમાં 1896 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
RTI માં બીજો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, રસ્તા પર અત્યાર સુધી કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે, 2023 સુધી આ ટોલથી 8349 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો પોતાની પોસ્ટ દ્વારા પ્રશ્ન પુછી રહ્યાં છે કે, જ્યારે ગાડી લેતા સમયે રોડ ટેક્સ ભરી દેવામાં આવે છે તો પછી રસ્તા પર ચલાવવા માટે દર 50 કિલોમીટર પર ટોલ ટેક્સ કેમ લગાવવામાં આવે છે? એક અન્ય યુઝરે કહ્યું કે, જો આવા તમામ મોટા હાઈવેની પણ RTI દ્વારા તપાસ કરવામાં આવે તો આવા 4 ગણાં પ્રોફિટના ઘણાં આંકડા સામે આવી જશે.