વડોદરા – બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી

By: nationgujarat
03 Aug, 2023

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં 7 શ્રમજીવી દબાયા હતા. દબાયેલા શ્રમજીવીઓ પૈકી એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 6ને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. ક્રેન બુલેટ ટ્રેનની સાઈટ પર ગર્ડર મૂકી પરત ફરી રહી હતી ત્યારે ઘટના બની હતી.

ધડામ સાથે ક્રેન તૂટી
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક પણ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આજે સવારે શ્રમજીવીઓ ક્રેઇન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ક્રેન ધડામ કરતી તૂટતા કામ કરી રહેલા સાત શ્રમજીવીઓ દબાઇ ગયા હતા. આ ઘટના બનતા અન્ય ઇજનેરો અને શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

ગામલોકો દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને ક્રેન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

 

ગર્ડર ગોઠવવાની કામગીરી સમયે ક્રેન તૂટી
હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળ ક્રેન મારફતે ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું હતું.


Related Posts