વડોદરા- પાસપોર્ટ ઓફિસે અરજદારોનો હોબાળો

By: nationgujarat
19 Aug, 2023

વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે એપોઇન્ટમેન્ટ હોવા છતાં કામગીરી ન થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ, અગાઉથી એપોઇન્ટમેન્ટ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સિક્યુરિટીનું અયોગ્ય વર્તન
આ અંગે કામગીરી માટે આવેલા અરજદાર રિયાઝ વોરાએ જણાવ્યું હતું કે, હું વડોદરાનો વતની છું. આજે મારી સાડા દસ વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી, તો પણ હું સવા દસ વાગ્યાની આસપાસ આવી ગયો હતો. પરંતુ શરૂઆતમાં જ અહીંની સિક્યુરિટીનું ઉદ્ધત વર્તન જોવા મળ્યું હતું. તેઓએ લોકો સાથે ખરાબ વર્તન કર્યું હતું. પાસપોર્ટ ઓફિસની અંદર ત્રણ સેક્શનમાં કામગીરી થઈ રહી છે. જેમાં સેક્શન એ બી સી પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં સેક્શન એની કામગીરી પ્રાઇવેટ સેક્શન જી ટી સી એસને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી ચાલી રહી છે.

“અમારા ખભા પર બંદૂક મૂકી છે”
વધુમાં જણાવ્યું હતું કે, અમારી આગળના જેટલા પણ લોકો હતા તેઓને સેક્શન એ માં કામગીરી પૂર્ણ થઈ હતી, પરંતુ સેક્શન બી અને સીમાં ગવર્મેન્ટ કર્મચારીઓએ કહ્યું કે, અમે તો હડતાલ પર છીએ. આ તો એવી વાત થઈ કે અમારા જ ખભા પર બંદૂક મૂકી છે. આજે હજારો લોકોની કામગીરી અટકી છે. દરેકનો દિવસ બગડ્યો છે, યોગ્ય જવાબ મળતા નથી. અંદર એક અધિકારી છે તે કહી રહ્યા છે કે, મારી મિડલ ઓથોરિટી છે, મારી જોડે ઓથોરિટી નથી. આમાં કર્મચારીઓના જે કઈ પ્રશ્નો હશે, પરંતુ તેમાં અમારું શું. અમે તો પૈસા ભરીને અમારા ટાઈમ પર આવ્યા છીએ અને અમારું કોઈ કામ થઈ નથી રહ્યું. જ્યારે તેઓની સિસ્ટમમાં તારીખ મળશે, ત્યારે મારે ફરી હાજર રહેવું પડશે.

અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો
ઉલ્લેખનીય છે કે, પાસપોર્ટ ઓફિસ પર હજારોની સંખ્યામાં રોજ બરોજ અરજદારો આવતા હોય છે, ત્યારે પાસપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે. આ એપોઇન્ટમેન્ટ આધારે અરજદારો સમય અને તારીખે પહોંચી કામગીરી કરાવતા હોય છે, પરંતુ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ હડતાલ પર હોવાથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોનું કહેવું છે કે, જો કામગીરી બંધ હોય તો પછી એપોઇન્ટમેન્ટ શું કામ આપી?. આ હોબાળાને લઇ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો.


Related Posts

Load more