વડોદરામાં 50% દુકાનો પૂરથી પ્રભાવિત, 90% વેપારીઓ પાસે વીમો નથી, તહેવાર ટાણે કરોડોનું નુકસાન

By: nationgujarat
29 Aug, 2024

Vadodara Flooding : વડોદરામાં પૂરના પાણી ઓસરી રહ્યાં છે તેમ તેમ લોકોને થયેલા નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. વડોદરાના વેપારીઓને તો પોક મૂકીને રડવું પડે તેવી સ્થિતિ છે. કારણકે હજારો દુકાનોમાં પાણી પ્રવેશી ગયા બાદ હવે સાફ સફાઈ શરૂ થઈ છે પણ દુકાનમાં ભરેલો માલ સામાન, ફર્નિચર પલળી ગયા બાદ ફેંકી દેવુ પડે તેમ છે.

વેપારી સંગઠન કેટના ગુજરાત તેમજ વડોદરાના પ્રમુખ તથા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના આગેવાન પરેશ પરીખે એકવાતચીતમાં કહ્યું હતું કે, તહેવારોની સીઝન શરૂ થવાની હતી અને માનવસર્જિત પૂરે વેપારીઓને પાંચ થી 10 વર્ષ પાછળ ધકેલી દીધા છે. વડોદરાની 50 ટકા દુકાનો પૂરથી પ્રભાવિત થઈ છે. વડોદરાના 90 ટકા વેપારીઓ પાસે કુદરતી આફત સામેનો વીમો નથી. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને પ્રોવિઝન સ્ટોર, બૂટ ચંપલ, ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો, ફર્નિચર વેચનારાઓ, ઈલેક્ટ્રિક શો રૂમોને તો વસ્તુઓ ફેંકી દેવી પડે તેવી હાલત છે.

તેમણે કહ્યું હતું કે, આ માનવસર્જિત આફત છે અને તેના માટે વડોદરા કોર્પોરેશનના શાસકો જ જવાબદાર છે. આગામી દિવસોમાં અમે વેપારીઓને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરીશું. તેમને વળતર આપવા માટે સરકાર સમક્ષ માંગ કરીશું. આ માટે વેપારીઓની એક બેઠક પણ બોલાવવામાં આવશે. તેમજ આ પૂર માટે જવાબદાર નેતાઓ તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કેટ સંગઠન દ્વારા પત્ર પણ લખવામાં આવશે.


Related Posts

Load more