વડોદરાના પેલેસમાં થશે સ્પેનના PMનું સ્વાગત, ભોજન અને કરાર સહિત જુઓ શું છે તૈયારી

By: nationgujarat
17 Oct, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ લક્ષ્મી વિલાસ પેલેસના દરબારમાં શાહી ભોજન લેશે. આ દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાશે

ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28મી ઓક્ટોબરે વડોદરા આવવાના છે. જેને લઈને શહેરમાં રોડ પેચવર્ક, ડિવાઈડર અને ફૂટપાથ સમારકામ, રંગરોગાન, વોલ પેઇન્ટિંગ, લાઇટિંગ, વૃક્ષોના ટ્રીમિંગ, તળાવની સફાઈ અને સુશોભન સરકારી ઇમારતો પર લાઇટિંગ કરાઈ રહ્યું છે.

પીએમ મોદી અને પેડ્રો સાંચેઝ લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ એક સાથે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શાહી ભોજન લેશે. નોંધનીય છે કે, શહેરના ન્યૂ વીઆઇપી રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને શણગારવામાં આવી રહ્યો છે.

ટાટા અને સ્પેનની કંપની સાથે મળીને બનાવશે એરક્રાફ્ટ

ઉલ્લેખનીય છે કે, વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા વાયુસેના માટે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સી295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2026માં તૈયાર થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદી આ ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન કરશે.


Related Posts

Load more