લૉરેન્સ બિશ્નોઈ જેલમાં છે ત્યાં સુધી સેફ છે, બહાર આવ્યો તો ઠાર કરાશે: રાજ શેખાવતની વિવાદિત ટિપ્પણી

By: nationgujarat
19 Nov, 2024

Raj Shekhawat Controversial Statement: ગુજરાતની જેલમાં બેસીને નેતા અને અભિનેતાઓ માટે માથાનો દુઃખાવો બનેલાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લઈ વલસાડ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને ડરપોક હોવાનાં કારણે 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો, જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સેફ છે, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું એવું નિવેદન આપતા મોટો વિવાદ છંછેડાયો છે.

રાજ શેખાવતે લોરેન્સને ખુલ્લી ચેલેન્જ આપી

મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કર્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં કહેવાતાં સાગરીતો સલમાનખાનને એક પછી એક ધમકીઓ આપી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે. જેને લઈને લોરેન્સ બિશ્નોઇ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ માથાભારે ગેંગસ્ટરને કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વલસાડ ખાતે ખુલ્લી ચેલેન્જ આપી છે અને લોરેન્સને એક ડરપોક માણસ કહ્યો છે. રાજ શેખાવતે કહ્યું કે, ‘લોરેન્સ બિશ્નોઇ એક આતંકવાદી છે. જે હત્યાઓ કરાવે છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે. દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર ડરપોક લોરેન્સ 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો,આ કાયર જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી જ સેફ છે, જ્યારે જેલમાંથી બહાર નીકળશે એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘લોરેન્સ તેના માણસો દ્વારા હત્યાઓ કરાવી જેલમાં બેઠો તમામ જવાબદારી પોતાના પર લે છે. અમારા સમાજની ધરોહર અને આગેવાન સુખદેવસિંહ ગોગામેડીની લોરેન્સે તેના માણસો દ્વારા જેલમાં બેસીને હત્યા કરાવી હતી. અમને અમારો મુખિયો જોઈએ છે, જેલમાં બેઠેલા આ કાયર માણસનું એન્કાઉન્ટ કરવું જોઇએ અથવા કોઇ કેદીએ તેને ઠાર કરી દેવો જોઇએ, તેને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું. ભયમુક્ત ભારત કરવું એ અમારો ધર્મ છે અને એ કરીને જ રહીશું.’

આવી ગેંગનો ખાત્મો કરવાનું કામ સરકારનું છે, કેમ તેનું એન્કાઉન્ટર નથી કરાવતી?

રાજ શેખાવતે ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારને પણ આડે હાથે લીધી હતી. સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ‘જેલમાં એક સામાન્ય અપરાધી પાસે કોઇ સંપર્ક નથી હોતો, તો આ ગેંગસ્ટર કઇ રીતે હત્યાઓ કરાવે છે અને કઈ રીતે ડ્રગ્સનો ધંધો કરે છે? આમાં અંદરને અંદરના લોકો પણ સંડોવાયેલા હોય તો જ આ શક્ય બને છે, બાકી કંઇ ન થાય. કેન્દ્ર સરકાર કેમ તેનું એન્કાઉન્ટર નથી કરતી અને એને કેમ આટલો સાચવે છે તેજ મને તો નથી સમજાતું. આવી ગેંગોનો ખાત્મો કરવાનું કામ સરકારનું હોવાં છતાં પણ ટેકેદારો લોરેન્સને સમાજનો યોદ્ધો કહે છે, જે સનાતનીઓની હત્યા કરે એ કંઇ રીતે યોદ્ધો હોઇ શકે? સરકાર તેને શા માટે છાવરી રહી છે, તે મોટો સવાલ છે. તેના કારણે દેશમાં ભયનો માહોલ હોવાનો આક્ષેપ કર્યો હતો.’

લોકસભાની ચૂંટણીમાં ભૂલ થઇ પણ હવે નહીં થાય

આગામી નગરપાલિકાની ચૂંટણી બાબતે રાજ શેખાવતે લોકસભામાં ભૂલ થઈ, હવે નહીં થાય તેવું જણાવી આવનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઇને પણ ક્ષત્રિયોને ટિકિટ ન મળે તો અપક્ષ લડવા માટે જણાવ્યું હતું. નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓને ટિકિટ આપવામાં અવગણના કરવામાં આવશે તો તેનું પરિણામ જે તે પક્ષના લોકોએ ભોગવવું પડશે. જે પક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનોને ટિકિટ નહીં આપે તેના વિરુદ્ધ મતદાન કરાવીશું.


Related Posts

Load more