રોડ બનાવો નહીતર દશેરાએ કોર્પોરેટરના પૂતળાંનું દહન થશે, સુરતમાં ભાજપના ગ્રુપમાં કાર્યકરોએ ઠાલવી હૈયાવરાળ

By: nationgujarat
02 Oct, 2024

ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે. ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત કથળી ગઈ છે. ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને ભાજપના નેતાઓ ડાહી ડાહી વાતો કરી રહ્યાં છે. પરંતુ લોકોની વચ્ચે જતાં કાર્યકરો હવે ફફડી રહ્યાં છે. જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે. ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવતાં મેસેજ વાઈરલ થયા છે. જેમાં સ્પષ્ટ સંકેત અપાયા છે કે, ઝડપથી રસ્તા બનાવો નહીતર દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળાં દહન થશે.

મેસેજ કરાયા વાયરલ

શહેરના જર્જરીત બની ગયેલ રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 13ના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે. વોર્ડ નં. ૧૩ના ભાજપના કાર્યકરોના વોટસએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા- લખાણ સાથેની ઈમેજ વાઈરલ કરવામાં આવી છે. જેમાં કાર્યકરોની હૈયાવરાળ ઠાલવવામાં આવતાં મેસેજ વાયરલ થયા છે. જેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે, સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે.

લાલ આંખ દેખાડા

વોર્ડ નં. ૧૩ના ભાજપના કાર્યકરોના વોટસએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઈમેજ ફરતી થઈ છે. જેમાં કોર્પોરેટરોને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે. ઈમેજમાં લખાયું છે કે “ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં, હવે નવરાત્રિ મહોત્સવ પહેલા શેરી, મહોલ્લામાં રોડ-રસ્તા બનાવડાવો તો આપશ્રીઓનો આભાર. જો એમ નહીં કરો તો લોકો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળાં સળગાવશે.

લૂલો બચાવ

આ પોસ્ટરને લઈ ભાજપના બે કોર્પોરેટરની પ્રતિકિરયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, આ માત્ર અફવા ફેલાવાનું કામ છે. અસામાજિક ઈસમો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અમે કામ કરાવ્યા છે. સતત કામગીરી ચાલે છે. પરંતુ સામી ચૂંટણીએ અમને બદનામ કરવા માટે આ કારમગીરી થઈ રહી છે.

 


Related Posts

Load more