મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં આગ:10 લોકો બળીને ભડથુ, UPના 63 શ્રદ્ધાળુઓ કોચમાં હતા

By: nationgujarat
26 Aug, 2023

તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી પુનાલુર મદુરાઈ એક્સપ્રેસમાં આગ લાગી હતી. મદુરાઈ કલેક્ટરે સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે તેમજ 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના ઉત્તરપ્રદેશના છે.

મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના હતા. આ કોચ બે દિવસ મદુરાઈમાં રોકાવાનો હતો. આજે સવારે શ્રદ્ધાળુઓએ કોફી બનાવવા માટે સ્ટવ સળગાવ્યો ત્યારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

સીતાપુરની એક ટ્રાવેલ એજન્સીએ આ કોચનું થર્ડ પાર્ટી બુકિંગ કરાવ્યું હતું. એમાં 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની ઘટનાની જાણકારી સવારે 5.15 વાગ્યે મળી હતી. જ્યારે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી. દક્ષિણ રેલવેનું કહેવું છે કે ટ્રેનના પ્રાઈવેટ પાર્ટી કોચમાં મુસાફરો ગેરકાયદે રીતે ગેસ-સિલિન્ડર લઈ જઈ રહ્યા હતા અને એથી જ આગ લાગી હતી.


Related Posts