ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે T20 સિરીઝ જીતી લીધી છે. ટીમે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ 33 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે બાઇલેટરલ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 23 ઑગસ્ટે રમાશે.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતે ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરિશ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી.
આયર્લેન્ડ તરફથી એન્ડ્રુ બલબિર્નીએ 72 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટર ચાલ્યો નહતો. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો અર્શદીપ સિંહને 1 સફળતા મળી હતી.
એન્ડ્રુ બલબિર્નીએ T20Iમાં 2000 રન પૂરા કર્યા
આઇરિશ ઓપનર એન્ડ્રુ બલબિર્નીએ T20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન પૂરા કર્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે બીજો આયરિશ બેટર બની ગયો છે. બાલબિર્નીએ ઇનિંગ્સનો 31મો રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.
પાવરપ્લેમાં આયર્લેન્ડને 3 ફટકા પહોંચ્યા
186 રનના વિશાળ લક્ષ્યાંકને ચેઝ કરતા આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 6 ઓવરમાં 31 રન હતો.
રિંકુની વિસ્ફોટક ઇનિંગની મદદથી ભારતે 185 રન બનાવ્યા
ભારતે પ્રથમ T20માં આયરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. પોતાની બીજી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા રિંકુ સિંહે 21 બોલમાં 38 રનની ઇનિંગ રમીને ટીમને સારી ફિનિશિંગ અપાવી હતી.
રિંકુ પહેલા વિકેટકીપર સંજુ સેમસને 26 બોલમાં 40 અને ઋતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી બેરી મેક્કાર્થીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ક્રેગ યંગ અને બેન્જામિન વ્હાઈટને 1-1 વિકેટ મળી હતી.
છેલ્લી 2 ઓવરમાં 42 રન બનાવ્યા
15 ઓવરમાં 129 રન બનાવ્યા બાદ ટીમનો સ્કોર 18 ઓવરમાં માત્ર 143 રન સુધી પહોંચી શક્યો હતો. શિવમ દુબે અને રિંકુ સિંહ સેટ થવામાં સમય લઈ રહ્યા હતા. ત્યારબાદ 19મી ઓવરમાં રિંકુ સિંહે 2 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ છેલ્લી ઓવરમાં 2 સિક્સર ફટકારી, આ ઓવરમાં રિંકુએ પણ સિક્સર ફટકારી અને ટીમે છેલ્લી ઓવરમાં 20 રન ભેગા કર્યા. આ રીતે ટીમે છેલ્લી 2 ઓવરમાં 42 રન બનાવ્યા અને સ્કોર 185 રન સુધી પહોંચ્યો હતો.