અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂપિયા 21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી છે. અગાઉ મહાશિવરાત્રી પર વિક્રમજનક 1.40 લાખ પૂજા નોંધાયા બાદ ટ્રસ્ટની રૂપિયા 21 બિલ્વપુજા શ્રાવણના 60 દિવસ ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે.
18 જુલાઈથી લઈને 15 સપ્ટેમ્બર સુધી 21 રૂપિયામાં ભકતો ઘરેબેઠા બિલ્વપૂજા સેવા નોંધાવી શકશે. સોમનાથ મહાદેવની બિલ્વપુજામાં ભકતોને 21 રૂપિયામાં બિલ્વપૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે. શિવજીને ત્રણ પર્ણ વાળુ બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર રૂપિયા 21માં બિલ્વ પૂજા સેવા શરૂ કરી છે.
સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોને મેસેજના માધ્યમથી બિલ્વ પૂજાની લાઈવ પ્રસારણ લિંક પણ મોકલી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.