આ સ્નાયુ બાબતે સામાન્ય લોકો બહુ ઓછું જાણે છે, પરંતુ તેની પ્રાસંગિકતા બહુ વધારે છે અને તેની પ્રાસંગિકતા આ સ્નાયુ માણસના ઊભા રહેવા કે ચાલવા માટે જરૂરી હોવા પૂરતી મર્યાદિત નથી.
પિંડીના નીચેના ભાગમાં સ્થિત સોલિયસ, આપણને સીધા ઊભા રહેવામાં મદદરૂપ બહુગામી અવયવો પૈકીનું એક છે. તેમાં બે મહત્ત્વપૂર્ણ નસો પણ હોય છે, જે રક્ત પરિભ્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ કારણસર ઘણા તેને “બીજું હૃદય” કહે છે.
બાર્સેલોના યુનિવર્સિટીની સ્પોર્ટ્સ મેડિસિન સ્કૂલના નિષ્ણાત ડૉ. કાર્લોસ પેડ્રેટ બીબીસીને જણાવે છે કે સોલિયસની રચના તેને વિશિષ્ટ બનાવે છે.
તેઓ કહે છે, “સૌપ્રથમ તો તે બહુ મોટો સ્નાયુ છે. તેમાં મોટો સ્નાયુ સમૂહ હોય છે. તે મુખ્યત્વે શુદ્ધ સ્નાયુ પેશીઓથી બનલો છે અને તેમાં સ્નાયુઓ જેવા કનેક્ટિવ ટિશ્યુઝ નથી.” એ તેના કાર્ય સાથે સંબંધિત છે.
ટેક્સાસની હ્યુસ્ટન યુનિવર્સિટીના ડૉ. માર્ક હેમિલ્ટન બીબીસીને કહે, “ઊભા રહેવા કે ચાલવા સંબંધી કોઈપણ પ્રવૃત્તિ માટે સોલિયસ આવશ્યક છે.”
શરીરમાંના સ્નાયુઓ તેમના કાર્યના આધારે વિવિધ પ્રકારના રેસાથી બનેલા હોય છે.
આપણા શરીરની સંરચનાને જાળવી રાખતી માંસપેશીઓ માટે, જેમ કે પીઠની અંદરની માંસપેશીઓ અને કરોડરજ્જૂને ટટ્ટાર રાખતી માંસપેશીઓ માટે શરીર સ્લો-ટ્વિચ તંતુઓનો, ફાઇબર્સનો ઉપયોગ કરે છે. એ ફાઇબર્સ (રેસા) અચાનક હલનચલન માટે બન્યા નથી, પરંતુ તેમાં બહુ પ્રતિરોધ હોય છે અને થાકનાં કેટલાંક લક્ષણોથી તે કલાકો સુધી સંકોચાયેલા રહી શકે છે.
તેને લીધે આપણે લાંબો સમય ઊભા રહી શકીએ છીએ.
બીજી તરફ આપણા હાથ, પગ કે બાવડામાં જે માંસપેશીઓ હોય છે તેમાં ઝડપથી કામ કરી શકતા ફાઇબર્સ હોય છે. આ ફાઇબર્સ સંખ્યાબંધ મૂવમેન્ટ્સ ઝડપથી કરવા માટે સંકોચાતા તથા રિલેક્સ થતા હોય છે.
સોલિયસ એક સંરચનાત્મક માંસપેશી છે, જે આપણને સીધા રહેવામાં મદદ કરે છે. તેમાં સ્લો-ટ્વિચ ટિશ્યુઝનું વ્યાપક સંયોજન હોય છે, જે તેને થાક્યા વિના મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરવા સક્ષમ બનાવે છે.
ડૉ પેડ્રેટ કહે છે, “સોલિયસમાં મોટા પ્રમાણમાં મસલ ફાઇબર હોય છે અને મસલ ફાઇબરમાં માઇટોકૉન્ડ્રિયા નામનું એક તત્ત્વ હોય છે, જે ઊર્જા નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ છે. માઇટોકૉન્ડ્રિયા મોટા પ્રમાણમાં હોવાને લીધે, તેને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે તે મોટી માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે છે.”
સોલિયસનું એક વિશેષ કાર્ય પણ હોય છે. તે હૃદયને શરીરના તમામ હિસ્સામાં રક્ત પમ્પ કરવામાં મદદ કરે છે.
આ પ્રક્રિયાની વાત કરતાં ડૉ. હેમિલ્ટન કહે છે, “સોલિયસની શારીરિક રચના અન્ય માંસપેશીઓથી અલગ હોય છે.”
“આપણી પિંડીની અંદર કેટલીક મોટી નસો હોય છે, જે સોલિયસમાં પણ હોય છે અને તે સારા હેતુ માટે હોય છે.”
“એ બાબતે વિચારીએ તો ગુરુત્વાકર્ષણને લીધે આપણી પિંડીઓમાં, ઘૂંટીમાં અને પગમાં રક્ત એકઠું થાય છે. આ સમસ્યા વૃદ્ધોમાં જ નહીં, યુવાનોમાં પણ થતી હોય છે, પરંતુ બુદ્ધિમાન કુદરતે આ નસોને સોલિયસની અંદર નાખી છે, જેથી માંસપેશીઓ સંકોચાય ત્યારે તે પણ સંકોચાય. તેને દબાવવામાં આવે ત્યારે એ નસો ભરાઈ જાય છે અને ખાલી થઈ જાય છે તથા એ તરલ પદાર્થને હૃદયમાં પાછો મોકલી દે છે.”
મૂળભૂત રીતે આપણું પ્રત્યેક ડગલું આપણા પગમાંના રક્તને હૃદય તરફ પાછું મોકલે છે. આ પ્રણાલીમાં પગની અનેક નસો અને ગેસ્ટ્રોકનેમિયસ માંસપેશીઓ સામેલ હોય છે. આ પ્રણાલીને પૉપ્લિટિયલ પમ્પ તરીકે ઓળખવામાં આવે છે.