બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે

By: nationgujarat
21 Aug, 2023

બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે સ્થાને દેવઘર અર્થાત્ દેવતાઓનું ઘર કહે છે. જ્યોતિર્લિંગ વિશે એવી માન્યતા છે કે, અહીં આવનાર ભક્તની દરેક મનોકામના પૂરી થાય છે તેના લીધે જ તેને ‘કામના લિંગ’ પણ કહેવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસઃ-
નગરના પ્રવેશદ્વાર પર સ્થિત શ્રી બૈદ્યનાથ મહાદેવ મંદિરનું નિર્માણ દસમી સદીમાં થયું હતું. તેને પરમારકાલીન સમયમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર 1984થી પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં છે. 64 ફૂટ ઊંચાઈ માટે આ મંદિર જેટલું બહારથી મનમોહક છે, તેટલું જ અંદરથી ભવ્ય છે. એક વાયકા પ્રમાણે કોઈ તપસ્વી પોતાના તપોબળથી આ મંદિરને ઉડાડીને કોઈ સ્થાને લઈ જઈ રહ્યાં હતાં, પરંતુ સૂર્યોદય હોવાથી તે મંદિરને અહીં જ ઉતારવું પડ્યું હતું. એટલે જ સામાન્ય રીતે આ મંદિરને ‘ઉડનિયા મંદિર’ પણ કહેવામાં આવે છે.

બાબા બૈદ્યનાથ ધામની કથાઃ-
શિવપુરાણમાં ઉલ્લેખ પ્રમાણે રાક્ષસરાજ રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એકવાર તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આકરું તપ કર્યું. છતાં પણ જ્યારે મહાદેવ પ્રસન્ન ન થયા તો તે પોતાના મસ્તકોને કાપી-કાપીને શિવલિંગ પર અર્પણ કરવા લાગ્યો. રાવણની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા માટે કહ્યું. રાવણે મહાદેવને લંકા લઈ જવાની ઇચ્છા જાહેર કરી. ત્યારે ભગવાન શિવે તેને એક શિવલિંગ આપ્યું અને કહ્યું કે આ મારું જ સ્વરૂપ છે. ત્યારે તેને લંકા લઈને જઈને સ્થાપિત કરો. શિવજીએ રાવણને એ પણ કહ્યું કે જો તું માર્ગમાં તેને ક્યાંય પણ રાખીશ તો આ લિંગ ત્યાં જ સ્થાપિત થઈ જશે.

આ પ્રકારે મહાદેવ પાસેથી શિવલિંગ લઈને રાવણ લંકા જવા લાગ્યો. માર્ગમાં રાવણને લઘુશંકા માટે જવાનું થયું ત્યારે તેણે એક ગોવાળને થોડીવાર માટે શિવલિંગ આપ્યું. જો કે, તે શિવલિંગનો ભાર તે ગોવાળ વધુ વાર સુઘી ઊઠાવી ન શક્યો અને તેણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું. આ પ્રકારે તે શિવલિંગ એ સ્થાને જ સ્થિર થઈ ગયું. ખૂબ પ્રયાસ કર્યા પછી પણ રાવણ એ શિવલિંગને ઊઠાવી ન શક્યો તે શિવલિંગને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો. આ શિવલિંગ બૈદ્યનાથના રૂપમાં પૂજાવા લાગ્યું. હારીને રાવણે ત્યાં જ શિવલિંગને સ્થાપીને એની પૂજા કરી અને ત્યાર પછી લિંગને ત્યાં મૂકીને તે લંકા ગયો. પાછળથી બૈજૂ નામના એક ભીલે તેનાં દર્શન કરતાં તેની સર્વપ્રથમ પૂજા કરી. ત્યારથી આજદિન સુધી વૈદ્યનાથની પૂજા નિરંતર ચાલ્યા કરે છે.

બૈદ્યનાથ ધામમાં જ પંચશૂળની પૂજા થાય છેઃ-
વિશ્વના બધા શિવમંદિરોના શિખર પર ત્રિશૂળ લગાવેલું જોવા મળતું હોય છે, પરંતુ બૈદ્યનાથ ધામ પરિસરમાં શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય બધા મંદિરોના શિખર પર પંચશૂળ લાગેલા છે. એવું કહેવાય છે કે રાવણ પંચશૂળથી જ લંકાનું રક્ષણ કરતો હતો. અહીં દરવર્ષે મહાશિવરાત્રિના 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂળ ઊતારવામાં આવે છે. આ દરમિયાન પંચશૂળનો સ્પર્શ કરવા માટે ભક્તોની ભીડ લાગે છે. બધા પંચશૂળોને નીચે લાવીને મહાશિવરાત્રિના એક દિવસ પહેલાં તેની વિશષ પૂજા કરવામાં આવે છે, આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પ્રતિમાને હટાવી દેવામાં આવે છે. અને ત્યારબાદ ફરીથી બધા પંચશૂળને પોતાના સ્થાને સ્થાપિત કરવામાં આવે છે.
મંદિરના પંચશૂળને લઈને માન્યતા
મંદિરની ટોચ પરના પંચશૂળ વિશે એવું માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં રાવણની લંકાપુરીના પ્રવેશદ્વાર પર પંચશૂળને રક્ષણાત્મક કવચ તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. તો એક એવી પણ માન્યતા પણ છે કે, રાવણ પંચશૂળને કેવી રીતે વિંધવું તે જાણતો હતો, વળી તે ભગવાન રામના નિયંત્રણમાં પણ ન હતો. ભગવાન શ્રી રામ અને તેમની સેના વિભીષણના કહેવા પછી જ લંકામાં પ્રવેશ કરી શકી. એવું માનવામાં આવે છે કે આ પંચશૂળના કારણે મંદિરને આજ સુધી કોઈ કુદરતી આફતની અસર થઈ નથી.

Related Posts