“સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર સનાતનધર્મસમ્રાટ્ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ ભાલ – નળકાંઠાના સત્સંગી હરિભક્તો માટે ઈ.સ. ૧૯૭૧ માં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તત્સંકલ્પ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી હતી. તેનો સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રેરણા મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા અધ્યક્ષ પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસીય મહોત્સવ પરમ ઉલ્લાસભેર સંતો અને હરિભકતોએ ઉજવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળા ભાઈઓ અને બહેનોનાં મંદિરનો સુવર્ણ પ્રતિષ્ઠોત્સવ ષોડશોપચાર પૂજન વિધિ, અન્નકૂટ દર્શન, આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમ યોજાયો હતો.
આ પાવનકારી અવસરે વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ, તે તે સદ્ ગ્રંથોની પારાયણની પૂર્ણાહુતિ, સ્વામીજી મહારાજનું યથાયોગ્ય સન્માન વગેરે – મહોત્સવની કલોઝિન્ગ સેરેમની કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વિશાળ સંતવૃંદ તથા દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ અવિસ્મરણીય “શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ” નો અણમોલ લ્હાવો માણ્યો હતો.