નવસારીમાં 100 વર્ષથી થાય છે ‘ઢીંગલાબાપા’ની પૂજા

By: nationgujarat
17 Jul, 2023

નવસારીમાં શહેરમાં છેલ્લા 100 વર્ષથી વધુ આદિવાસી હળપતિ -રાઠોડ સમાજ દ્વારા દિવાસાના દિવસે લોકવાયકા મુજબ ધામધુમથી રંગે ચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામા આવે છે. આ ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ઉમટી પડે છે. ત્યારે આજે દિવાસા નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આજથી 100 વર્ષ પહેલા કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો. જેથી ઢીંગલાબાપાનું પૂતળુ બનાવી તેની પૂજા અર્ચના કરાઈ હતી. જેથી આ રોગ પર કાબૂ આવ્યો હતો. તેવી માન્યતા છે. ત્યારથી લઈ આજદિવસ સુધી નવસારીમાં આ ઢીંગલાબાપાની પૂજા કરવામાં આવે છે અને દર વર્ષે દિવાસાના દિવસે તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમજ ઢીંગલાબાપાને પ્રસાદ નહીં પણ સિગરેટ ચઢાવવામાં આવે છે.

કોલેરા રોગ ફાટી નીકળતા લોકોના ટપોટપ મોત થવા લાગ્યા હતા
નવસારીના દાંડીવાડ ખાતે છેલ્લા 100 વર્ષથી પણ વધુથી ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને દિવાસાના તહેવારની ઉજવણી થાય છે. લોકવાયકા મુજબ 110 વર્ષ અગાઉ નવસારીના દાંડીવાડ વિસ્તારમાં કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો. જેને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા હતા, શહેરમાં કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા.

શું છે સમગ્ર લોકવાયકા?
આ સમયે એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી કહ્યું હતું કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે તો સમસ્યા હલ થવાની આશા છે. આદિવાસીઓએ વાત સ્વીકારી રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. પારસી યુવાન જેવી દેખાતી પ્રતિમાને ભોગ ધરાવવામાં આવ્યો અને લગ્નમાં જે વિધિ કરે તેવી તેની ત્રણ દિવસ સુધી વિધિ કરવામાં આવે છે, ઢીંગલા બાપાને પીઠી ચોળાવી અને શાંતકની વિધિ પણ કરવામાં આવે છે. આગલી રાત્રીએ ભજનનાં ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે. દિવાસાનાં દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં બહેનો પણ જોડાય છે. લગ્નનાં ગીતો ગાય છે જેમાં ‘ઢીંગલા બાપા જોઈને જજો … ખારા પાણીમાં ચોર છે’ જેવા જુના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે.

શોભાયાત્રા બાદ દક્ષિણીપૂર્ણામાં વિસર્જન કરવામાં આવે છે
કહારવાડ-ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણીપૂર્ણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ છેલ્લા 100 વર્ષથી પણ વધુ વર્ષથી આયોજિત થાય છે. ઢીંગલા બાપાની પૂજા અર્ચના અને સમગ્ર તહેવારનું આયોજન કરતા પરિવારિક સભ્ય આ તહેવાર પાછળ છુપાયેલી પરંપરાને હજી પણ જાળવી રાખી છે.

નવસારીનાં દાંડીવાડ ખાતે ચાર પેઢીથી ઢીંગલાબાપાની શોભાયાત્રા દીવાસાનાં પર્વ નિમિત્તે નીકળે છે. તેઓ ઢીંગલા બાપાની શોભાયાત્રા લોકવાયકા મુજબ અંદાજીત 100વર્ષથી વધુથી કાઢે છે. દાંડીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં પારસીઓની સંખ્યા નોંધપાત્ર હતી. તેમનાં ખેતરો તથા ઘરોમાં આદિવાસી (રાઠોડ-હળપતિ) સમાજનાં લોકો કામ કરતાં હતાં. એ સમયગાળામાં કોલેરા જેવો ભયકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આદિવાસી સમાજના લોકો ટપોટપ મરવા લાગ્યા હતાં. આ રોગચાળો દૂર થાય એવા આશયથી પારસી કોમનાં લોકોએ તેમનાં અગ્નિદેવની આરાધના કરવા દરમિયાન પારસી કોમનાં એક સદ્દગૃહસ્થને અગ્નિ દેવતાએ સપનામાં આવી માનવ આકારનો ઢીંગલો બનાવી તેની શોભાયાત્રા કાઢી બાદમાં તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવું એવો આદેશ આપ્યો હતો.


Related Posts

Load more