અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચશે.
આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થઈ શકે છે.
સાથે જ આવતીકાલે વિશ્વની ત્રણ મોટી પરમાણુ શક્તિઓ—અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓની પ્રથમ વખત બેઠક પણ યોજાશે. આ બેઠકમાં પરમાણુ હથિયારો, વૈશ્વિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ચર્ચા થઈ શકે છે.
APEC સમિટમાં 21 દેશોના નેતાઓ ભાગ લેશે
APEC સમિટ 18 અને 19 નવેમ્બરે ચીનના શેનઝેનમાં યોજાઈ રહી છે. તેમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની 21 અર્થવ્યવસ્થાઓના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
આમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે.
ચીન 12 વર્ષ બાદ ત્રીજી વખત આ સમિટની યજમાની કરી રહ્યું છે. આ વર્ષની થીમ છે—’બિલ્ડિંગ એશિયા-પેસિફિક કમ્યુનિટી ટુ પ્રોસ્પર ટુગેધર’ એટલે કે સાથે મળીને પ્રગતિ કરતો એશિયા-પેસિફિક સમુદાય.
ટ્રમ્પ-જિનપિંગની બેઠકમાં સોયાબીન અને રેર અર્થ પર નજર
ટ્રમ્પ અને જિનપિંગની ગુરુવારે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ વર્ષે બંને નેતાઓની આ ત્રીજી રૂબરૂ મુલાકાત હશે. તેમાં વેપાર અને ટેક્નોલોજીને લઈને ચાલી રહેલા તણાવને ઘટાડવા અંગે ચર્ચા થઈ શકે છે.
અમેરિકા સોયાબીનની ખરીદી વધારવા માટે દબાણ કરશે
રેર અર્થની સપ્લાય પણ મોટો મુદ્દો
ટ્રમ્પ-પુતિનની અલગ બેઠક પણ શક્ય
ત્રણેય નેતાઓની બેઠક ઉપરાંત ટ્રમ્પ અને પુતિનની અલગથી બેઠકને લઈને પણ ચર્ચા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે, બંને નેતાઓ શેનઝેનમાં સાથે હશે તો તેમની મુલાકાત ચોક્કસ થશે. આ માટે સ્થળ અને વાતચીતની રીત અંગે ચર્ચા ચાલી રહી છે.
રશિયા મુજબ, જો બંને વચ્ચે અલગથી વાતચીત થાય છે, તો તેમાં યુક્રેન યુદ્ધ અને તેને સમાપ્ત કરવાના પ્રસ્તાવો અંગે ચર્ચા થઈ શકે છે. જોકે, અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે, ટ્રમ્પ અને પુતિનની અલગ બેઠક હજુ નક્કી થઈ નથી.
જિનપિંગ-પુતિન યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18 અને 19 નવેમ્બરે ચીનની મુલાકાતે છે. આજે તેમની જિનપિંગ સાથે અલગથી બેઠક થશે. તેમાં યુક્રેન યુદ્ધ અને વિદેશ નીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થશે.
રશિયન રાષ્ટ્રપતિના સલાહકાર ઉશાકોવના જણાવ્યા મુજબ, બંને નેતાઓ ટ્રમ્પ સાથે યોજાનારી સંભવિત ત્રિપક્ષીય બેઠક અંગે પણ વાત કરશે.
પુતિન આજે APEC બિઝનેસ સમિટને સંબોધિત કરશે. ત્યારબાદ શેનઝેનમાં રશિયા અને ચીનની સંયુક્ત યુનિવર્સિટીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન સાથે પણ મુલાકાત કરશે.
પુતિન સાથે ત્રણ ઉપપ્રધાનમંત્રી, સાત મંત્રી અને 30થી વધુ રશિયન કંપનીઓના પ્રતિનિધિઓ પણ ચીન પહોંચ્યા છે. પ્રવાસ બાદ તેઓ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે જશે.
ટ્રમ્પ-જિનપિંગ-પુતિનની બેઠકની ભારત પર અસર
ટ્રમ્પ-જિનપિંગ-પુતિનની બેઠકમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ અને વિશ્વની સુરક્ષા જેવા મુદ્દાઓ ઉઠી શકે છે. રોયટર્સના અહેવાલ મુજબ, અમેરિકા ઈચ્છે છે કે ચીન પણ પરમાણુ હથિયારોને મર્યાદિત કરતી નવી સંધિમાં સામેલ થાય. આ ચર્ચાથી વિશ્વમાં લશ્કરી શક્તિના સંતુલન પર અસર પડી શકે છે.
ભારત માટે આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા અને જરૂરી ટેક્નોલોજી માટે ચીન પર નિર્ભર છે. અહેવાલ મુજબ, 2021થી 2025 દરમિયાન ભારતે ખરીદેલા હથિયારોમાંથી 40% રશિયા પાસેથી આવ્યા હતા.
બીજી તરફ, સરકારના આંકડા મુજબ, ભારત તેની જરૂરિયાતના આશરે 85થી 90% રેર અર્થ મેગ્નેટ્સ ચીન પાસેથી ખરીદે છે. આવી સ્થિતિમાં ત્રણેય દેશો વચ્ચે કોઈ મોટા કરાર અથવા તણાવની અસર ભારતની સંરક્ષણ અને જરૂરી સામાનની સપ્લાય પર પડી શકે છે.