ટામેટાં બચાવવા 4 કલાક નેશનલ હાઇવે બંધ

By: nationgujarat
07 Aug, 2023

વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓના કારણે એક મહિનામાં અકસ્માતની આ પાંચમી ઘટના સામે આવી છે. મધરાતે ટામેટાં ભરેલા ટેમ્પા સહિત ચાર વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ મોંઘા ભાવનાં ટામેટાં અને વાહનોમાં ભારે નુકસાન થયું છે.

ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટ્યું
વલસાડના નેશનલ હાઈવે નંબર-48 ઉપર 4 વાહનો વચ્ચે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં એક આઈસર ટેમ્પો (નંબર GJ-24-X-3731)ટામેટાંનો જથ્થો ભરી બેંગ્લોરથી ભરૂચ માર્કેટ જવા નીકળ્યો હતો. આ દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું.

ડિવાઇડર કૂદીને ટેમ્પો ટ્રક સાથે ભટકાયો
ટેમ્પાનું ટાયર ફાટી જતાં ટેમ્પાચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કૂદીને હાઇવેની સામેની સાઇડમાં જતો રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક (નંબર PB-10-GK-0968) સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટ્રક અને ટેમ્પો અથડાતા બંને પલટી ગયાં હતાં. જેમાં ટેમ્પામાં ભરેલા ટામેટાં હાઇવે પર પથરાઇ ગયાં હતાં.

ટેમ્પા અને ટ્રક સાથે બે કાર પણ અથડાઇ
નેશનલ હાઇવે પર ટેમ્પો અને ટ્રક અથડાઇને પલટી જતાં અહીંથી પસાર થયેલી એક સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર-GJ-05-RT-8412) અને અન્ય ક્રેટા કાર (નંબર GJ-15-CN-6126) પણ ટેમ્પા અને ટ્રક સાથે અથડાઇ હતી. ચાર વાહનો વચ્ચેના આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ ચારેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ટામેટાં ભેગાં કરવા 4 કલાક હાઇવે બંધ કરાયો
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇમાં ખસેડ્યા હતા. જોકે, ટેમ્પામાં ભરેલાં મોંઘા ભાવનાં ટામેટાં રોડ પર પથરાઇ જતાં તેને ભેગા કરવા માટે 4 કલાક જેટલો સમય હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગનાં ટામેટાં ભેગાં કરી લેવાયાં હતાં. પરંતુ ઘણાં ટામેટાં પટકાઇ જવાથી નુકસાન થયું છે. જ્યારે ટ્રકમાં ભરેલો ચોકલેટનો જથ્થો પણ ટ્રકમાંથી અડધો બહાર આવી ગયો હતો. જ્યારે સ્વિફ્ટ અને ક્રેટા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

નોકરીએથી પરત ફરતા યુવકનું મોત
આ હાઇવે ઉપર વહેલી સવારે અન્ય એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધરમપુર ચોકડીથી નોકરી પરથી પરત ફરી રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. બાઈક પર પરત ફરી રહેલા યુવકને અન્ય બાઈકની ટક્કર લાગતા યુવક નીચે પટકાયો હતો. ત્યારે અહીં રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરનું ટાયર યુવકના માથા પર ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.


Related Posts