ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને તેમની ચાલ બદલાવવી જોઈએ

By: nationgujarat
18 Dec, 2025

Statement by Deputy Chief Minister Harsh Sanghvi: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ તાજેતરમાં પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે પોલીસને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે રાજ્યના ગુનેગારોમાં પોલીસનો ભય વધવો જોઈએ અને સામાન્ય નાગરિકોનો પોલીસ પરનો વિશ્વાસ દ્રઢ થવો જોઈએ.

ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ”
હર્ષ સંઘવીએ પોલીસને સૂચન આપતા જણાવ્યું હતું કે, જો સમાજમાં શાંતિ જાળવવી હોય તો ગુનેગારોના મનમાં કાયદાનો ડર હોવો અનિવાર્ય છે. તેમણે કહ્યું કે ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ અને તેમની ચાલ બદલાઈ જવી જોઈએ, જો ગુનેગાર ડરે તો તેમાં કંઈ જ ખોટું નથી. સામાન્ય નાગરિકને ડરવાની જરૂર નથી, પણ ગુનેગારને પોલીસનો ખોફ રહેવો જ જોઈએ.” તેમણે પોલીસને હજુ વધુ મજબૂતાઈ અને કડકાઈથી ગુનેગારો સામે કામ કરવા તાકીદ કરી છે.

જનતા સાથેના વ્યવહાર પર આકરી ટકોર
એક તરફ ગુનેગારો વિરુદ્ધ સિંહ જેવી ગર્જના કરનાર હર્ષ સંઘવીએ બીજી તરફ સામાન્ય જનતા માટે પોલીસનો વ્યવહાર ‘નરમ’ રાખવા આદેશ આપ્યો છે. પોલીસ અધિકારીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું છે કે જો અમે મંત્રી તરીકે આવીને લોકોને મળી શકતા હોઈએ, તો પોલીસ અધિકારીઓ કેમ નહીં?” તેમણે પીઆઈ (PI) અને ડીવાયએસપી (DySP) કક્ષાના અધિકારીઓને આડે હાથ લેતા પૂછ્યું હતું કે તેઓ લોકોને મળવામાં કેમ ખચકાય અનુભવે છે? તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે લોકોને મળવું જ પડશે અને તેમના પ્રશ્નો સાંભળવા પડશે.

સંવેદનશીલ પોલીસ તંત્રની હિમાયત
ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ અમદાવાદ સહિતના શહેરોમાં સિનિયર અધિકારીઓ લોકોને મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. તેમણે પોલીસની છાપ સુધારવા માટે કેટલાક માનવીય અભિગમો પણ સૂચવ્યા છે. જેમાં દૂરથી આવતા કોઈ વૃદ્ધ વ્યક્તિને માત્ર પાણી પીવડાવવાથી પણ પોલીસની એક અલગ અને હકારાત્મક છાપ ઊભી થાય છે. નાગરિકો સાથે વધુમાં વધુ પ્રેમ અને નમ્રતાથી વર્તવું જોઈએ. તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે, “લોકોને મળવાની વ્યવસ્થા કાં તો તમે ગોઠવો, નહીં તો પછી મારે વ્યવસ્થા ગોઠવવી પડશે.”

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીનો આ આદેશ સ્પષ્ટ કરે છે કે ગુજરાત પોલીસ હવે ડબલ એક્શન મોડમાં જોવા મળશે. એક તરફ માથાભારે તત્વો સામે લાલ આંખ કરી છે, તો બીજી તરફ સામાન્ય જનતા માટે પોલીસ સ્ટેશનના દરવાજા હંમેશા ખુલ્લા અને મૈત્રીપૂર્ણ રહેશે.


Related Posts

Load more