ગુજરાતમાં અહીં અધિકારીઓની પોલ ખુલી, કાગળ પર ‘બગીચો’ અને અસલમાં ‘ઉકરડો’! લાખો ચાઉં કર્યા

By: nationgujarat
10 Aug, 2024

ગુજરાતમાં એક પછી એક વહીવટીતંત્રની પોલ ખોલતાં સમાચારો વચ્ચે વધુ એક એવા અહેવાલ સામે આવ્યા છે જેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે આપણું તંત્ર ખરેખર પોલપટ્ટીવાળુંં થઈ ગયું છે. તાજેતરનો મામલો કુતિયાણા નગરપાલિકાનો છે. અહીં નગરપાલિકાના શાસકો સામે પુરાવાઓ સાથે ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો બીજા કોઈ નહીં પણ ખુદ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યએ જ લગાવ્યા છે. આરોપ મુજબ પાલિકાના અધિકારીઓએ કાગળ પર બગીચો બતાવી જેના માટે ફાળવેલી લાખો રૂપિયાની રકમ ચાંઉ કરી ગયા છે તે જમીન પર તો હાલ ઉકરડાં જેવી સ્થિતિ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે.

ધારાસભ્યએ ખોલી પોલ! 

માહિતી અનુસાર ધારાસભ્યએ તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાઓના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આગામી ચૂંટણી પહેલાં જ અધિકારીઓને ગેરલાયક ઠેરવવામાં આવે. લેખિત ફરિયાદમાં જણાવ્યુ હતુ કે કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ગેરવહિવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતાં ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવા સદન પાસેથી આર.ટી.આઇ. હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતીઓ મેળવી છે. તેમાં ઘણી બધી માહિતીઓ છુપાવવામાં આવી છે તેમ છતાં ઉપલબ્ધ માહિતી મુજબ પ્રમુખ, કેટલાક સભ્યો અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ગ્રાન્ટમાંથી મળેલ નાણાંનો ખોટા અને બનાવટી પુરાવાઓ ઉભા કરીને ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે તેથી સ્થળ ઉપર રૂબરૂ આવીને પંચરોજકામ કરીને અને જાણકાર વ્યક્તિઓના નિવેદનો લઇને ઝીણવટભરી તપાસ કરવાનું જરૂરી હોવાનું ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે.


Related Posts

Load more