ખાડિયાને આપણે પાકિસ્તાન નહીં થવા દઈએ”: ભૂષણ ભટ્ટ અને ઈમરાન ખેડાવાલા આવ્યા આમનેસામને

By: Nation Gujarat Team
07 Apr, 2026
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું છે. જે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 1972થી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ભૂષણ ભટ્ટની એક વાત ઘણી જ વાયરલ થઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે, ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ. જે નિવેદન પર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે કહ્યું, ભૂષણભાઈનું આ નિવેદન ઘણું જ હાસ્યાસ્પદ છે. અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં પાકિસ્તાન લઈ આવ્યા એટલે એમને અહીં કોઈ બીજા કોઈ મુદ્દા નથી દેખાતા.
“ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ”

ખાડિયામાં ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે, ચૂંટણી આવે એટલે એમના માટે ઇલેક્શન ટુરિઝમ. યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરે છે. પરંતુ લોતોને વંદન કે અભિનંદન 1972થી 2026 સુધીમાં તમે એમનું કામ પૂરું થવા નથી દીધું.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આપણે સંકલ્પ કરીએ કે, શહેર આખામાં કોઈની નજર હોય કે ન હોય પરંતુ ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ. એ લોકો આવે તો એમને કહી દેવાનું કે આ ખાડિયા છે, ભારત માતા કી જય. જય હિન્દુસ્તાન. ભલે અમે થોડા ઓછા થયા પણ વાંધો નહીં, અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનશાઓ અમે પૂરી થવા નહીં દઈએ. ભૂષણ ભટ્ટે એમ પણ જણાવ્યું કે, એમની પાસે કોઈ વિચાર નથી. ખાડિયામાં તેમને પ્રવાસી ઉમેદવારો કેમ લાવવા પાડ્યા?
આ ઘણું જ હાસ્યાસ્પદ છે”

આ નિવેદન પર અમારી ન્યૂઝ ચેનલ સાથે ઈમરાન ખેડાવાલાએ ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લા બે ટર્મથી હું ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યો છું. અહીંના કોઈપણ લોકોને ભય નથી. અહીંના લોકો મારાથી ખુશ છે. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે તેમને શહેરના પાણી, ગટર જેવી સમસ્યાઓ નથી દેખાતી અને પાકિસ્તાન યાદ આવે છે. આ ઘણું જ હાસ્યાસ્પદ છે. ભૂષણ ભટ્ટે થોડા દિવસ પહેલા પણ કહ્યું હતું કે, ખાડિયામાં પોલીસ હિન્દુઓના મકાન ખાલી કરાવી રહી છે. તો પોલીસ કોની છે સરકારની? એટલે તેમને ભાજપની સરકાર પર પણ ભરોસો રહ્યો નથી.

ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે, તમે લોકોને ભ્રમિત કરો છો. તમને લોકો ઓળખી ગયા છે. તમે કટ્ટરવાદની રાજનીતિ કરવા માંગો છો. આ વખતે અમે ખાડિયામાં રેકોર્ડ કરીને ચારે ચાર ઉમેદવારો અમારા જ જીતશે. પ્રજાનો વિશ્વાસ અમારી સાથે છે.

Related Posts

Load more