ઓક્ટોબરમાં આવી શકે છે ભયંકર વાવાઝોડું

By: nationgujarat
20 Sep, 2023

ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની છે. આવા વિષમ સંજોગો વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.’

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ 
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

‘દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિમીની ઝડપે આવશે વાવાઝોડું’ 
આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે. દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિ.મીની ઝડપે વાવાઝોડુ આવશે. ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. અરબી સમુદ્રમાં પણ આ દરમિયાન વાવાઝોડાની અસર થઈ શકે છે.

ભારે વરસાદથી છલકાયા નદી-નાળા
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં ભારે વરસાદની નદી-નાળા છલકાયા છે. અબડાસામાં જીવાદોરી સમાન મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. તો ડુમર ડેમ પણ ઓવરફ્લો થયો છે. વેડહાર નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચમાં નર્મદા નદીના પાણી ઘૂસી જતા ખેતીને નુકસાન થયું છે. કેળા, કપાસ અને શેરડીના પાકને મોટું નુકસાન છે. હાલ નર્મદા નદીની જળસપાટી 24 ફૂટ છે. નદીના પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.


Related Posts