એશિયા કપમાં IND-PAKની મેચ વરસાદને કારણે રદ

By: nationgujarat
02 Sep, 2023

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી.

પ્રથમ દાવ સાંજે 7:44 વાગ્યે સમાપ્ત થયો, જે મુજબ બીજી ઇનિંગ 8:14 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ પછી ઇનિંગ શરૂ થઈ શકી ન હતી. મેચનો કટઓફ સમય 10:27 કલાકે નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે જો આ સમય સુધીમાં મેચ ફરી શરૂ થઈ હોત તો પાકિસ્તાનની ઇનિંગ ઓછામાં ઓછી 20 ઓવરની થઈ ગઈ હોત. વન-ડે મેચનું પરિણામ લાવવા માટે 20 ઓવરની રમત જરૂરી છે. જોકે, મેચ રદ કરવાનો નિર્ણય 9:50 વાગ્યે લેવામાં આવ્યો હતો કારણ કે તે સમયે પણ વરસાદ બંધ થયો ન હતો.

ભારતની આગામી મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે કેન્ડીમાં જ રમાશે.

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 87 રન અને ઈશાન કિશને 82 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ ચાર વિકેટ લીધી હતી જ્યારે હારિસ રઉફને અને નસીમ શાહને 3-3 વિકેટ મળી હતી.

શાહિને રોહિત, કોહલી અને હાર્દિકની વિકેટ લીધી
પાકિસ્તાનની તમામ 10 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી. શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ લીધી, તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની વિકેટ લીધી હતી. જ્યારે હારિસ રઉફ અને નસીમ શાહને 3-3 વિકેટ મળી હતી.

ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો
કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ફ્લોપ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા 11, શુભમન ગિલ 10, વિરાટ કોહલી 4 અને શ્રેયસ અય્યર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા
ટોપ-4 વિકેટ વહેલી ગુમાવ્યા બાદ, નંબર-6 પર આવેલા હાર્દિક પંડ્યાએ 87 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધી હતી. તેણે તેની ODI કારકિર્દીની 11મી ફિફ્ટી પૂરી કરી. પંડ્યાએ વન-ડે કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તેણે 96.67ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. પંડ્યાની 90 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.


Related Posts