એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટની ઐતિહાસીક સિદ્ધી, શ્રીલંકાને 19 રનથી હરાવ્યું.

By: nationgujarat
25 Sep, 2023

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ, પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ, હાંગઝોઉ ખાતે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું. આ મેચમાં 117 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, તેથી તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.લક્ષ્યનો પીછો કરતી વખતે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર તિતાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા બાદ હસિની પરેરાએ કેટલાક આક્રમક શોટ લગાવીને શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની તોફાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશાદી રણસિંઘે 28 રનની ભાગીદારી કરીને દાવને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ડી સિલ્વાને પૂજા વસ્ત્રાકર બોલ્ડ કર્યો હતો. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કર્યો, જેના પછી ભારતનું કામ આસાન થઈ ગયું. ભારત તરફથી તિતાસ સાધુએ છ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી. હાર છતાં શ્રીલંકાની ટીમ સિલ્વર જીતવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને આ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.


Related Posts