ઉત્તર પ્રદેશના શિકારપુર-બુલંદશહેર રોડ પર પીકઅપ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં આઠ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલા તમામ લોકો અલીગઢ જિલ્લાના અહિર નગલા ગામના રહેવાસી હતા. અહેવાલો અનુસાર, અલીગઢ જિલ્લાના અહિર નગલા ગામના 40થી વધુ લોકો ગાઝિયાબાદથી અલીગઢ જઈ રહ્યા હતા. આ લોકો ગાઝિયાબાદના બુલંદશહર રોડ બી-10 સ્થિત બિરટાનિયા ડેલ્ટા ફૂડ કંપનીમાં કામ કરતા હતા. રવિવારે (18મી ઑગ્સટ) સવારે બધા ગાઝિયાબાદથી પીકઅપમાં ઘરે જવા નીકળ્યા હતા. શિકારપુર-બુલંદશહેર રોડ પર એક ખાનગી બસે પીકઅપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અધિકારીઓને પીડિતોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.