તા. 27 નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અયોધ્યા મુલાકાતે જઈ રહ્યા છે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી રામ લલ્લાની પૂજા કરશે. તેમજ રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. તેમજ યુપી સરકારે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવેલી જગ્યાની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી 7 અધિકારીઓ સાથે વિદેશ પ્રવાસે જશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. જેમાં એક જાપાન તો બીજો દેશ છે સિંગાપોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિનિયર IAS અધિકારીઓ પણ વિદેશ પ્રવાસે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરશે. જ્યાં તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે
27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન-સિંગાપોરના પ્રવાસે
વધુમાં જણાવી દઇએ કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ CMના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં મૂડી રોકાણ માટે કરશે પ્રોત્સાહિત
એક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે. ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેક્નોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મુડીરોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજનાર વાઈબ્રન્ટ સમિટમાં પધારવા તેમજ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે, આમંત્રણ આપશે.