આજે ભારત ઈતિહાસ રચશે:ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડ થશે;

By: nationgujarat
23 Aug, 2023

ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે. લેન્ડરના ચાંદ પર લેન્ડ થતાં જ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર લેશે અને પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે. આ ફોટોઝને પૃથ્વી પર સેન્ડ કરવામાં આવશે. જો ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું તો આવું કરનાર પહેલો દેશ બનશે. આ ક્ષણ માણવા માટે દેશભરમાં ઉત્સાહ છે અને ઠેરઠેર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

મિશનની સફળતા માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે.

50 વૈજ્ઞાનિકોએ દિવસ-રાત ઉજાગરા કર્યા, કમાન્ડ સેન્ટરમાં ઉત્સાહનું વાતાવરણ
બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC)ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX)માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટર્સ પર ચંદ્રયાન-3થી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આખી રાત વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાની કોઈ ચૂક જ ન રહે.

દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરી રહ્યા છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્સાહ અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવીને વેરિફિકેશન કરી રહ્યા છે.


Related Posts