જ્યારે 12 સપ્ટેમ્બર 2007ના રોજ પહેલીવાર T20 વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે કોઈને ખાતરી નહોતી કે તે બહુ સફળ થશે. 2008માં IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે પણ કંઈક આવું જ વિચારવામાં આવ્યું હતું. પરંતુ બંને ટુર્નામેન્ટે ક્રિકેટ જગતમાં ઘણી સફળતા મેળવી છે.
T20 ફ્રેન્ચાઇઝી લીગનો ટ્રેન્ડ એટલો ઝડપથી વિકસ્યો છે કે હવે વિશ્વભરના ક્રિકેટ બોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલાં પોતાના દેશમાં ફ્રેન્ચાઇઝી લીગનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમેરિકાએ પણ ગયા વર્ષે આવું જ કંઈક કર્યું હતું, બોર્ડે તેની ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ મેજર લીગ ક્રિકેટ એટલે કે MLC 2023માં શરૂ કરી હતી. હવે અમેરિકા પણ વર્લ્ડ કપના આયોજનથી MLCને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આજે વર્લ્ડ કપ ઇન્ડેપ્થ રિપોર્ટ પાર્ટ-6માં આપણે મેજર લીગ ક્રિકેટ વિશે વાત કરીશું…
લીગનું નામ MLC કેમ?
બેઝબોલ, લાકડાની પાતળી દાંડી જેવું બેટ અને બોલ સાથેની રમત, અમેરિકામાં પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે. આ રમતની ફ્રેન્ચાઇઝી આધારિત લીગ, MLB એટલે કે મેજર લીગ બેઝબોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે. અમેરિકાએ પણ આ જ તર્જ પર પોતાની ક્રિકેટ લીગનું નામ આપ્યું છે જેથી બેઝબોલના ચાહકો પણ આ લીગ તરફ આકર્ષિત થઈ શકે. આ ઉપરાંત, ત્યાંની સોકર (ફૂટબોલ) લીગનું નામ પણ એ જ તર્જ પર છે. MLS, એટલે કે મેજર લીગ સોકર.
MLCની પહેલી સિઝન જુલાઈ 2023માં 6 ટીમ સાથે રમાઈ હતી. તમામ ટીમમાં ભારતીય રોકાણકારોનો સમાવેશ કર્યો હતો. અભિનેતા શાહરુખ ખાનની સહ-માલિકીની IPL ફ્રેન્ચાઇઝી KKR, ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ, જે કંપની મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સના માલિક GMR સ્પોર્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે વિવિધ ભાગીદારો સાથે ટીમ ખરીદી હતી.
MI ન્યૂયોર્કે પ્રથમ ટાઇટલ જીત્યું હતું
IPLની જેમ MLCની પ્રથમ સિઝનમાં પણ ટોપ-4 ટીમે પ્લેઑફમાં જગ્યા બનાવી હતી. MI ન્યૂયોર્ક એલિમિનેટર અને ક્વોલિફાયર-2 જીત્યા બાદ ફાઈનલ રમી હતી. ટીમે ફાઈનલમાં સીટલ ઓર્કાસને 7 વિકેટે હરાવ્યું અને પ્રથમ સિઝનનું ટાઇટલ પણ જીત્યું.
નિકોલસ પૂરને સદી ફટકારી હતી. તે ટુર્નામેન્ટનો ટોપ રન સ્કોરર પણ હતો. MIના ટ્રેન્ટ બોલ્ટે 22 વિકેટ ઝડપી હતી. સીટલ ઓર્કાસનો 11 વિકેટ લઈને અમેરિકાના કેમરૂન ગૈનન પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
વર્લ્ડ કપના 6 દિવસ બાદ બીજી સિઝન શરૂ થશે
T-20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. આના છ દિવસ બાદ 6 જુલાઈથી અમેરિકામાં MLCની બીજી સિઝન શરૂ થશે. આ વખતે પણ માત્ર 2 સ્ટેડિયમમાં જ મેચ રમાશે, પરંતુ ગ્રૂપ સ્ટેજમાં 15ની જગ્યાએ 21 મેચ રમાશે. એક ટીમ 5ને બદલે 7 મેચ રમશે.
બીજી સિઝનમાં વ્યુઅરશિપ વધી શકે
MLCની સિઝન 2 વર્લ્ડ કપ પછી તરત જ શરૂ થશે, આનાથી વૈશ્વિક ક્રિકેટ પ્રેક્ષકો અમેરિકન પ્રેક્ષકો સાથે જોડાયેલા રહેશે. બીજી સિઝનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.30 કલાકે અને સવારે 6 કલાકે શરૂ થશે. અમેરિકાના મતે આ સમય રાતનો હશે, વધુ ચાહકો સ્ટેડિયમમાં પહોંચીને મેચ જોશે.
MLCની સિઝન 1માં કેટલીક મેચ અમેરિકન સમય અનુસાર બપોરે યોજાઈ હતી. જેના કારણે મેચની ઘણી ટિકિટો વેચાઈ ન હતી. આ વખતે તમામ મેચ સાંજે અથવા રાત્રે જ શરૂ થશે, તેથી વધુ દર્શકો સ્ટેડિયમમાં પહોંચે તેવી શક્યતા છે.
શું MLC ભારતની IPL સાથે સ્પર્ધા કરી શકશે?
IPLની બ્રાન્ડ વેલ્યુ 89 હજાર કરોડ રૂપિયા છે. જ્યારે MLCની કિંમત એક હજાર કરોડ રૂપિયા છે. IPLમાં ખેલાડીઓના પગાર પર 1,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે, તેની સરખામણીમાં MLCમાં ખેલાડીઓના પગાર પર માત્ર 57 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે.
અમેરિકાની ટોપ-10 જોવાયેલી સ્પોર્ટ્સમાં ક્રિકેટનો સમાવેશ થતો નથી, જ્યારે ભારતમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ રમત જોવામાં આવતી નથી. મેજર લીગ ક્રિકેટ (MLC) હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે, અહીં 6 વિદેશી ખેલાડીઓ પ્લેઇંગ-11માં રમી શકે છે. તેની સરખામણીમાં IPLમાં માત્ર 4 વિદેશી જ રમે છે.
ભારતમાં IPL સફળ થવાનું સૌથી મોટું કારણ ભારતીય ખેલાડીઓ છે. તેથી, જો MLC IPL સાથે સ્પર્ધા કરવા માગે છે, તો તેણે પહેલા તેના દેશમાં ખેલાડીઓની ગુણવત્તા વધારવી પડશે. જેમાં અત્યારે ઘણો સમય લાગશે.
MLC ટૂંક સમયમાં 10 ટીમની ટુર્નામેન્ટ યોજશે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 28 મેના રોજ જ મેજર લીગ ક્રિકેટને લિસ્ટ-A માન્યતા આપી હતી. મતલબ કે હવે ટુર્નામેન્ટમાં પ્લેયર્સ અને ટીમના આંકડા પણ T20 રેકોર્ડમાં ગણાશે. MLCની બીજી સિઝન T20 વર્લ્ડ કપના માત્ર 6 દિવસ બાદ 6 જુલાઈથી શરૂ થશે.
બીજી સિઝનમાં 19 થી 25 મેચનો વધારો થશે. 2025 સુધીમાં તેને વધારીને 34 મેચ કરવાની યોજના છે, ટીમ પણ 6થી વધારીને 8 કરવામાં આવશે. MLCના ચીફ એક્ઝિક્યુટિવે એમ પણ કહ્યું કે MLC આખરે 10 ટીમની ટુર્નામેન્ટ બનાવવાની યોજના ધરાવે છે. IPL સિવાય, અત્યાર સુધી કોઈપણ દેશની 10 ટીમ કોઈપણ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી નથી. T20 વર્લ્ડ કપ મેજર લીગ ક્રિકેટ પર કેવી અસર કરશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.